યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુરુવારે ઓમાનના ખાસાબથી આશરે ૨૫ નોટિકલ માઈલ ઉત્તરપૂર્વ દિશામાં આ ઘટના બની હતી. એક નાની હોડીમાં બે વિસ્ફોટક ઉપકરણો લગાવીને તેને ઓઈલ ટેન્કર સાથે અથડાવવામાં આવી હતી, જેના કારણે ભડાકો થયો હતો અને ટેન્કરના એન્જિન રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અચાનક થયેલા હુમલાને કારણે જહાજ થોડા સમય માટે અક્ષમ થઈ ગયું હતું અને તેની ગતિ તથા સંચાલનને ભારે અસર પહોંચી હતી.
આ ભયાનક હુમલા છતાં ક્રૂ મેમ્બરોના તમામ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના રાહતજનક સમાચાર મળ્યા છે. UKMTOની એડવાઈઝરી નોટમાં જણાવ્યા મુજબ, સદનસીબે આ દુર્ઘટનાથી દરિયાઈ પર્યાવરણને કોઈ જ નુકસાન પહોંચ્યું નથી અને જહાજના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ, આ ટેન્કરે કોઈપણ મોટી જાનહાનિ કે આપત્તિ વિના પોતાના આગામી ગંતવ્ય બંદર તરફની સફર ફરીથી શરૂ કરી દીધી છે.
હાલના તબક્કે આ હુમલા પાછળ કોનો હાથ હતો તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી, પરંતુ ફેબ્રુઆરીમાં યુએસ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યા બાદથી હોરમુઝની ખાડીમાં વ્યાપારી જહાજો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ નિકાસ માર્ગો પૈકીના એક એવા આ જળમાર્ગ પર ચાલી રહેલા તણાવને કારણે દરિયાઈ સુરક્ષા જોખમો ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે, જેણે આંતરરાષ્ટ્રીય વેપાર અને શિપિંગ ઉદ્યોગની ચિંતાઓમાં મોટો વધારો કર્યો છે.
