વર્જિનિયાના શેનાનડોઆ નેશનલ પાર્ક પાસે આવેલી આ મહત્ત્વપૂર્ણ ૩૦ એકર જમીન મહાત્મા ગાંધીજીના પૌત્ર સ્વર્ગસ્થ કનુ ગાંધી અને તેમના પત્ની શિવા ગાંધીએ વર્ષ ૧૯૮૭માં ખરીદી હતી. પોતાના જીવનના અંતિમ વર્ષો દક્ષિણ ગુજરાતમાં વિતાડ્યા બાદ દંપતીએ એક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી પોતાની તમામ સંપત્તિ તેના નામે કરી દીધી હતી. કનુ ગાંધી અને શિવા ગાંધીના અવસાન બાદ સુરતના પરિમલ દેસાઈ આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. દરમિયાન, ગ્રેગરી બ્લેક નામના અમેરિકન નાગરિકે વર્જિનિયાના કાયદાનો દુરુપયોગ કરીને ૧૫ વર્ષથી જમીન પર કબજાનો દાવો કરી ટ્રસ્ટને કાનૂની નોટિસ ફટકારી હતી.
આ કેસમાં કાનૂની જંગ જીતવા માટે પરિમલ દેસાઈએ અમેરિકન વકીલોની મદદ લેવાની સાથે આધુનિક ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની પણ મદદ લીધી હતી. જીઆઈએસ (GIS) નકશા અને પુરાવાઓની મદદથી ટ્રસ્ટે સાબિત કર્યું કે વિરોધી દ્વારા કરાયેલો દાવો પોકળ હતો અને તે જમીન પર કોઈ એકાધિકાર કે ૧૫ વર્ષથી સતત હાજરી સાબિત કરી શક્યો ન હતો. કડક પુરાવાઓના આધારે વર્જિનિયા કાઉન્ટી સર્કિટ કોર્ટના જજ ડેરીલ એલ. ફંકે ગ્રેગરી બ્લેકનો દાવો ફગાવી દીધો હતો અને જમીનનો માલિકી હક સત્તાવાર રીતે ગાંધીજીના ટ્રસ્ટને સોંપવાનો ચુકાદો આપ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે દબાણકર્તા ગ્રેગરી બ્લેકે પોતાના અંગત સામાન, કેબિન અને શિકાર માટેના માળખાં આગામી ૩૦ દિવસની અંદર પોતાના ખર્ચે હટાવી લેવાના રહેશે અને જમીનનો કબજો તરત જ ટ્રસ્ટને પરત કરવાનો રહેશે. આ ઉપરાંત, કોર્ટે દબાણકર્તાને દંડ તરીકે ગાર્ડિયન એડ લિટેમની ફી પેટે ૧૧,૩૭૫ ડોલર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ જીત માત્ર એક કાનૂની લડાઈની સફળતા નથી, પરંતુ ગાંધીજીના વિચારો અને ફિલસૂફીને આગળ ધપાવતા આ ચેરિટેબલ ટ્રસ્ટની મિલકતોની સુરક્ષા માટે એક મોટું સીમાચિહ્ન સાબિત થઈ છે.
