JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

એનવીડિયાના સીઈઓ સાથેના સંબંધો પર અમેરિકન ગુપ્તચર એજન્સીઓની નજર, ચીની જાસૂસ સાથે કનેક્શન હોવાની આશંકા

Oct 30, 2026 | 07:55 | By JAMNAGAR MIRROR
એનવીડિયાના સીઈઓ સાથેના સંબંધો પર અમેરિકન ગુપ્તચર એજન્સીઓની નજર, ચીની જાસૂસ સાથે કનેક્શન હોવાની આશંકા
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, સિંગાપોરની એક ડેટા સેન્ટર કંપની સાથે જોડાયેલી મહિલા ચીની એજન્ટ હોવાનું સામે આવ્યું છે, જેના એનવીડિયાના સીઈઓ જેનસેન હુઆંગ સાથેના ઘનિષ્ઠ સંબંધોને લઈને અમેરિકન અધિકારીઓમાં ચિંતા વ્યાપી છે.

અમેરિકાના જાણીતા અખબાર 'ન્યૂયોર્ક ટાઇમ્સ'માં પ્રકાશિત થયેલા એક સનસનાટીભર્યા અહેવાલે ટેકનોલોજી જગતમાં ખળભળાટ મચાવ્યો છે. સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ' સાથે સંકળાયેલી એલિસ હુઆંગ ઉર્ફે હુઆંગ લે નામની ચીની નાગરિક પર અમેરિકન ગુપ્તચર એજન્સીઓ લાંબા સમયથી નજર રાખી રહી હતી. અમેરિકન અધિકારીઓના નિષ્કર્ષ મુજબ આ મહિલા ચીની ગુપ્તચર એજન્સી માટે કામ કરતી હતી અને બેઇજિંગને મહત્વપૂર્ણ માહિતી મોકલતી હતી. તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે આ મહિલાના સંબંધો વૈશ્વિક અગ્રણી ટેક કંપની એનવીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) જેનસેન હુઆંગ સાથે અત્યંત નિકટના રહ્યા છે, જેના કારણે વ્હાઇટ હાઉસમાં સુરક્ષાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલાની ગંભીરતા ત્યારે વધુ વધી ગઈ જ્યારે એવો દાવો કરવામાં આવ્યો કે તંત્ર દ્વારા આ ગુપ્તચર માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવામાં આવી હતી, પરંતુ તેમણે એનવીડિયાના ચિપ વેચાણ અને આર્થિક અસ્થિરતાના ડરથી કોઈ કઠોર પગલાં ન લેવાનું પસંદ કર્યું હતું. વોશિંગ્ટન હાલ ચીનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી અત્યાધુનિક ટેકનોલોજીથી વંચિત રાખવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ચીની જાસૂસ સીધા જ જેનસેન હુઆંગના સંપર્કમાં હોવાથી અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. એનવીડિયાના સીઈઓએ અગાઉ વ્હાઇટ હાઉસ સાથે સંકલન સાધીને ચીનને ચિપ વેચવાના નિયમોમાં છૂટછાટ મેળવી હતી અને અમેરિકી સરકાર સાથે વ્યાપારી સમજૂતીઓ પણ કરી હતી, જેમાં સરકારી હિસ્સાથી લઈને અમેરિકામાં મોટા પાયે રોકાણ કરવાના વચનો સામે સામેલ છે.

બીજી બાજુ, આ સમગ્ર વિવાદ પર એનવીડિયા કંપનીએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા મેગાસ્પીડ દ્વારા ચિપની દાણચોરી કરવાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આવા ગ્રાહકોને માત્ર સામાન્ય વ્યાપારી માહિતી જ આપવામાં આવે છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ કોઈ સંવેદનશીલ વેપાર રહસ્યો શેર કરવામાં આવતા નથી. મેગાસ્પીડ ડેટા સેન્ટર બનાવીને પોતાની કમ્પ્યુટિંગ પાવર ચીની કંપનીઓને ભાડે આપે છે. આ મામલે વ્હાઇટ હાઉસ, સીઆઈએ અને નેશનલ સિક્યોરિટી એજન્સી દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી, જ્યારે ચીની દૂતાવાસે અમેરિકાના આ તમામ આરોપોને પાયાવિહોણા અને બદનામ કરવાનું અભિયાન ગણાવ્યા છે.

LATEST ARTICLES