દેશના વિવિધ રાજ્યોમાં બદલાતા હવામાનના મિજાજ વચ્ચે ૩૦ ઓક્ટોબરે મોસમે મોટો પલટો લીધો છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સાથે હળવો વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાત્રે પડેલા વરસાદના કારણે દિલ્હી-એનસીઆરમાં તાપમાન ઘરસ્યું છે અને ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સવારના સમયે હળવાથી મધ્યમ ઝાપટાં અને વાવાઝોડાની શક્યતા છે, જ્યારે ગુડગાંવમાં મોટે ભાગે આકાશ ખુલ્લું અને આહલાદક રહેવાની અપેક્ષા છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાન વિભાગે ભારેથી અતિભારી વરસાદનું એલર્ટ જારી કર્યું છે. બિહારમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને તેજ પવનો સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વી અને પશ્ચિમી ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની અને તોફાની પવનો ફૂંકાવવાની પણ શક્યતા છે. આ ઉપરાંત, રાજસ્થાનમાં પણ બપોર બાદ વાદળો ઘેરાતા છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે.
બીજી બાજુ, દક્ષિણ ભારતમાં પણ હવામાન અલગ જ રંગરૂપ દેખાડી રહ્યું છે. તમિલનાડુમાં મોટાભાગના વિસ્તારોમાં તડકો ખીલેલો રહેશે અને વરસાદની સંભાવના નહિવત છે, જેથી ત્યાંનું વાતાવરણ સામાન્ય રહેશે. જોકે, આંધ્રપ્રદેશમાં આગામી દિવસોમાં પરિસ્થિતિ બદલાવાની છે, જ્યાં ૧ નવેમ્બરે ભારે વરસાદ અને ૨ થી ૩ નવેમ્બર દરમિયાન દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને ઘરની બહાર નીકળતી વખતે હવામાન અપડેટ્સ ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી છે.
