ભારત સરકાર દ્વારા 'શાંતિ એક્ટ' (SHANTI Act) ના અમલીકરણ સાથે પરમાણુ ઉ ક્ષેત્રે ૧૦૦ ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાના વિશાળ લક્ષ્ય પર કામ શરૂ થઈ ચૂક્યું છે. આ મહત્વાકાંક્ષી યોજનાને કારણે દેશમાં પરમાણુ તકનીક સાથે જોડાયેલા નિષ્ણાતો અને કુશળ કામદારોની ભારે માંગ ઊભી થઈ છે. આ માંગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દેશની તમામ આઈઆઈટી (IIT), એનઆઈટી (NIT) અને અન્ય અગ્રણી તકનીકી સંસ્થાઓને પરમાણુ વિજ્ઞાન અને તકનીક સંબંધિત નવા અભ્યાસક્રમો શરૂ કરવા આહ્વાન કરવાની તૈયારી કરી રહી છે. એટલું જ નહીં, પરમાણુ ક્ષેત્ર માટે વિશેષ તાલીમ આપવા માટે 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુક્લિયર ટેક્નોલોજી' જેવી સમર્પિત સંસ્થા સ્થાપવાની યોજના પણ વિચારણા હેઠળ છે, જેથી ઉચ્ચ સ્તરના સંશોધકોથી લઈને એન્જિનિયરો સુધીની તમામ જરૂરિયાતો સંતોષી શકાય.
આ સમગ્ર માનવશક્તિ વિકાસ માળખાની રૂપરેખા તૈયાર કરવા માટે નીતિ આયોગ દ્વારા પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક જે.બી. જોશીની અધ્યક્ષતામાં એક વિશેષ નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ટૂંક સમયમાં જ પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરશે, ત્યારબાદ શિક્ષણ મંત્રાલય અને વિજ્ઞાન તથા ટેકનોલોજી વિભાગના સહયોગથી વહેલી તકે અભ્યાસક્રમો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવશે. સરકારી આંકડાઓ અનુસાર, માત્ર ૧ ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે આશરે ૨,૦૦૦ કુશળ વ્યક્તિઓની જરૂર પડે છે. આ હિસાબે આગામી બે દાયકામાં ૧૦૦ ગીગાવોટના લક્ષ્યને પાર પાડવા માટે અંદાજે ૨.૫ લાખ કુશળ વ્યાવસાયિકોની ફોજ તૈયાર કરવી પડશે, જેને ધ્યાનમાં રાખીને પીએચડી, બી.ટેક, એમ.ટેક ઉપરાંત સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા અને આઈટીઆઈ સ્તરના અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે.
વર્તમાન સમયમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCIL) જેવી સંસ્થાઓ પોતાની જરૂરિયાતો મુજબ તાલીમ કાર્યક્રમો ચલાવે છે, પરંતુ પરમાણુ ક્ષેત્રના આ અભૂતપૂર્વ વિસ્તરણ સામે આ વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ શકે છે. જોકે, તાજેતરમાં કેટલીક આઈઆઈટી જેવી કે બોમ્બે, કાનપુર, મદ્રાસ અને જમ્મુએ આ દિશામાં પહેલ કરીને ન્યુક્લિયર એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના અભ્યાસક્રમો શરૂ કર્યા છે. આ સાથે જ પરમાણુ, રક્ષણ અને રાસાયણિક સાધનોનું ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓના વર્તમાન કર્મચારીઓ માટે પણ ઓન-ધ-જોબ તાલીમ મોડ્યુલ વિકસાવવાની દિશામાં ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે, જેથી ભારતનું પરમાણુ સ્વપ્ન સમયસર સાકાર થઈ શકે.
