પાલનપુર શહેરના વોર્ડ નં. ૩ અંતર્ગત આવતી શિવનગર સોસાયટીના પાછળના ભાગેથી ગાયત્રી નગર સુધી પસાર થતું ખુલ્લું નાળું હાલ નગરજનો માટે મુસીબતનું ઘર બની ગયું છે. આ નાળામાં શહેરના વિવિધ વિસ્તારોનું ગંદુ પાણી અને કચરો મોટા પ્રમાણમાં ઠલવાઈ રહ્યો છે, જેના કારણે અહીં સતત ભયાનક દુર્ગંધ ફેલાયેલી રહે છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ દૂષિત નાળાને અડીને જ એક શાળા આવેલી છે, જ્યાં અભ્યાસ કરતા નાના માસૂમ બાળકો અને આસપાસના રહેવાસીઓ ગંભીર બીમારીઓનો ભોગ બનવાના સતત જોખમ વચ્ચે દિવસો વિતાવી રહ્યા છે.
સ્થાનિક રહીશો અને પૂર્વ નગરસેવકો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નાળામાં પાઈપો નાખીને તેને બંધ કરવાની માંગ સાથે વર્ષ ૨૦૧૩થી નગરપાલિકામાં અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પાલિકા તંત્રની ઉદાસીનતા એવી રહી છે કે દશકા જેટલો લાંબો સમય વીતી જવા છતાં માત્ર 'ટૂંક સમયમાં કામ શરૂ થશે' તેવા પોલા આશ્વાસનો જ આપવામાં આવ્યા છે. જનતાનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર લોલીપોપ આપીને મામલો ઠેબે ચડાવવામાં આવી રહ્યો છે અને આ ગંભીર જનહિતના પ્રશ્ને સતત ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર મા અંગે નગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગનો સંપર્ક સાધતા તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, નાળાની અંદર ભૂગર્ભ પાઈપલાઈનના પિલરો નડતરરૂપ છે તેમજ કેટલાક સ્થાનિકો અને આસપાસના ખેતરોવાળાના ગેરકાયદેસર દબાણોને કારણે કામ અટકી ગયું હતું. જો કે, હવે આ નડતરરૂપ દબાણો અને પિલરો હટાવવાની દિશામાં તપાસ કરીને વહેલી તકે કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકાના નવા ચૂંટાયેલા નગરસેવકો અને તંત્ર આ પ્રશ્ને કેટલી ઝડપથી સકારાત્મક અભિગમ દાખવીને પ્રજાને રાહત અપાવે છે.
