JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ પી.એન. વાસુદેવનનું રાજીનામું

Oct 30, 2026 | 04:10 | By JAMNAGAR MIRROR
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ પી.એન. વાસુદેવનનું રાજીનામું
દીકરીની એનબીએફસી કંપનીને લઈને રોકાણકારોમાં પ્રવર્તતા હિતોના સંઘર્ષના વિવાદ વચ્ચે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના વડા પી.એન. વાસુદેવને પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, નવા ઉત્તરાધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ આ જવાબદારી સંભાળતા રહેશે.

ચેન્નાઈ સ્થિત ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (SFB)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પી.એન. વાસુદેવને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. વાસુદેવન તે જ દીગ્ગજ બેંકર છે કે જેમણે માઈક્રો ફાઈનાન્સ સંસ્થાને એક સફળ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ બેંકે ચેન્નાઈમાં પોતાની નવી કોર્પોરેટ ઓફિસ શરૂ કરી હતી, જેના માત્ર બે મહિના બાદ જ આ મોટો ફેરફાર સામે આવ્યો છે. ગુરુવારે બેંક દ્વારા રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ રાજીનામાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે બેંકિંગ ક્ષેત્રે અને રોકાણકારોમાં ભારે ચર્ચા જાગી છે.

પોતાના રાજીનામાના પત્રમાં વાસુદેવને સ્પષ્ટતા કરી છે કે તેમની પુત્રી ૨૦૨૩માં આરબીઆઈનું લાયસન્સ મેળવનાર એક એનબીએફસી (NBFC)ની સહ-પ્રમોટર છે. તેમણે નિયમો અનુસાર આ બાબતની જાહેરાત બોર્ડ અને રિઝર્વ બેંક સમક્ષ અગાઉથી જ કરી હતી. વાસુદેવને જણાવ્યું હતું કે તેમનું બેંકના એમડી હોવું અને પુત્રીનું એનબીએફસીના પ્રમોટર હોવું એ બેંકિંગ રેગ્યુલેશન્સ એક્ટના નિયમકીય માળખામાં જ છે. બેંક અને તે એનબીએફસી વચ્ચે માત્ર અગાઉ એક ટૂંકા ગાળાની ડિપોઝિટ સિવાય કોઈ વ્યવહાર થયો નથી અને કોઈ લોન પણ આપવામાં આવી નથી. તેમ છતાં, છેલ્લા ત્રણ વર્ષથી રોકાણકારો સતત હિતોના સંઘર્ષ (Conflict of Interest) અંગે શંકા વ્યક્ત કરી રહ્યા હતા.

રોકાણકારોમાં રહેલી આ ગેરસમજ અને પરસેપ્શનના કારણે બેંકના શેરના દેખાવ પર માઠી અસર પડી રહી હોવાનું વાસુદેવને ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે ક્યારેક વાસ્તવિકતા કરતા લોકોની ધારણાઓ વધુ પ્રભાવશાળી સાબિત થાય છે, જેનાથી શેરહોલ્ડર્સ અને કર્મચારીઓની કમાણી પ્રભાવિત થાય છે. આ અસમંજસતાને દૂર કરવા માટે જ તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે, જેથી બેંકની વાસ્તવિક નાણાકીય મજબૂતાઈ શેરબજારમાં દેખાઈ શકે. બીજી તરફ, રાજીનામાના આ અહેવાલ વચ્ચે ઇક્વિટાસ બેંકે ૩૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કરતા ટેક્સ બાદનો નફો આઠ ગણો વધીને ૨૧૮ કરોડ રૂપિયા પર પહોંચ્યો હોવાના સારા સમાચાર પણ જાહેર કર્યા છે.

LATEST ARTICLES