JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

થરાદના દેથળી પાસેથી ખોટી નંબર પ્લેટવાળી ફોર્ચ્યુનર કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

Oct 30, 2026 | 02:55 | By JAMNAGAR MIRROR
થરાદના દેથળી પાસેથી ખોટી નંબર પ્લેટવાળી ફોર્ચ્યુનર કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરીને પોલીસે દેથળી ગામની સીમમાંથી રૂ. 13.24 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાવ-થરાદ જિલ્લામાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પી.આઈ. એ.પી. ચૌધરીની સૂચના મુજબ પોલીસ ટીમ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી અને શંકાસ્પદ ગતિવિધિના આધારે દેથળી ગામની સીમમાંથી કાશીપુરા રોડ તરફ જતા માર્ગ પર એક શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર મળી આવી હતી, જેણે પોલીસની શંકાને વધુ મજબૂત બનાવી હતી.

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને શંકાસ્પદ ફોર્ચ્યુનર કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી દારૂ અને બિયરની કુલ 1946 બોટલો સફળતાપૂર્વક કબજે કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન કાર પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ (જીજે-38-ડીડી-8476) ખોટી હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે વાહનનો અસલી નંબર 01-આરવી-9035 હોવાનું ફલિત થયું હતું. બુટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે આ પ્રકારે વાહનો પર ખોટી નંબર પ્લેટ લગાવીને ગેરકાયદેસર હેરફેરીનો કિમિયો અજમાવવામાં આવતો હોવાનું સ્પષ્ટ થયું છે.

પોલીસે આ ઓપરેશનમાં અંદાજે રૂ. 10 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર અને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 13,24,900નો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. વાવ-થરાદ પંથકમાં પોલીસની આ લાહોરી અને કડક કાર્યવાહીના પગલે દારૂનું વેચાણ કરતા બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

LATEST ARTICLES