દહેગામ શહેરના ગીચ અને ભરચક વસ્તીવાળા વિસ્તારમાં આવેલું ઐતિહાસિક અને આસ્થાનું પ્રતિક એવું ૧૮૦ વર્ષ જૂનું મુનિ સુવ્રતસ્વામી જૈન દેરાસર ગત મધરાત્રે અસામાજિક તત્વોના નિશાને ચડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, તસ્કરોએ ખૂબ જ ચાલાકીપૂર્વક દેરાસરની પાછળના ભાગે આવેલા મોટા વૃક્ષનો સહારો લઈને પરિસરમાં પ્રવેશ કર્યો હતો. પવિત્ર સ્થળની પવિત્રતાને નુકસાન પહોંચાડીને આ ઇસમોએ દેરાસરના શિખર પરથી ધજાદંડ તેમજ પિત્તળની ભારે સાંકળો ઉતારી લીધી હતી અને ગર્ભગૃહ તેમજ પરિસરમાં રાખવામાં આવેલી દાનપેટીના તાળાં તોડીને અંદાજે દસ હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ દેરાસરના વહીવટકર્તાઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેરાસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા તેણે પોલીસ અને ટ્રસ્ટીઓને પણ ચોંકાવી દીધા છે. ફૂટેજ મુજબ, આ ચોરીની ઘટનાને અંજામ આપનાર શખસો કોઈ કુખ્યાત તસ્કરો નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ બે સગીર બાળકો હોવાનું જણાઈ આવે છે. નાની વયના બાળકો દ્વારા આ પ્રકારે ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવતા હવે ગુનેગારો દ્વારા બાળકોનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની શંકા વધુ પ્રબળ બની છે.
આ ઘટના બન્યા બાદ દહેગામના જૈન સમાજમાં ભારે ઉગ્ર રોષ અને પડઘા જોવા મળી રહ્યા છે. ધાર્મિકસ્થળો સુરક્ષિત નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે સગીરોની ઓળખ કરવા અને તેમની પાછળ કોઈ સક્રિય ગેંગ કે માસ્ટરમાઇન્ડ છે કે નહીં તે દિશામાં કડક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વહેલી તકે આ મામલો ઉકેલાય અને સગીરોનો આ પ્રકારે દુરુપયોગ કરતા અસલી ગુનેગારો જેર ચડે તેવી લોકમાંગ ઉઠી છે.
