અમેરિકાના પ્રખ્યાત પ્રિડિક્શન માર્કેટ પ્લેટફોર્મ 'કલ્શી' (Kalshi) સામે કાયદાકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. યુએસના પશ્ચિમી રાજ્ય યુટાહની ત્રીજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કોર્ટ દસ્તાવેજો મુજબ, કલ્શી એક્સ (KalshiEX LLC) પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઓનલાઈન જુગારને પ્રોત્સાહન આપવાના ૧૨ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ કેસમાં કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તારેક મન્સૂર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર લુઆના લોપેસ લારાને પણ સહ-આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. યુટાહ અને હવાઈ અમેરિકાના એવા બે રાજ્યો છે જ્યાં તમામ પ્રકારના જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે, અને આ જ કારણસર આ રાજ્યમાં કલ્શીની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
આ સમગ્ર કાર્યવાહી યુટાહ રાજ્યના તપાસકર્તાઓ દ્વારા ચલાવવામાં આવેલા એક અંડરકવર ઓપરેશન બાદ સામે આવી છે. સપ્ટેમ્બર મહિનામાં એક રાજ્ય તપાસકર્તાએ ખોટા નામે કલ્શી પર એકાઉન્ટ ખોલાવીને પ્રોફેશનલ અને કોલેજ સ્પોર્ટ્સ પર ૧૨ શરતો (Wagers) લગાવી હતી. કોર્ટના ફાઇલિંગ અનુસાર, કલ્શીએ દરેક શરત લગાવતા પહેલા યુઝરને તેનું લોકેશન કન્ફર્મ કરવાનું કહ્યું હતું, જેમાં તપાસકર્તાએ સાચું લોકેશન 'યુટાહ' દર્શાવ્યું હતું તેમ છતાં પ્લેટફોર્મે શરતો સ્વીકારી હતી અને દરેક શરત પર ફી પણ વસૂલી હતી. પ્રોસિક્યુટર્સનું માનવું છે કે આ પ્રકારે એકત્રિત કરવામાં આવેલી ફી એ ગેરકાયદેસર જુગારની કમાણી સમાન છે. અગાઉ ઓક્ટોબરમાં યુટાહના એટર્ની જનરલ ડેરેક બ્રાઉને એક સિવિલ મુકદ્દમો દાખલ કરી અંદાજ લગાવ્યો હતો કે કલ્શીએ યુટાહના યુઝર્સ પાસેથી ફી પેટે ૩.૦૬ કરોડથી ૬.૧૨ કરોડ ડોલર જેટલી મોટી રકમ એકત્ર કરી છે.
કલ્શી પ્લેટફોર્મ હંમેશાં પોતાના બચાવમાં એવો દાવો કરતું આવ્યું છે કે તેમની પ્રવૃત્તિઓ જુગાર નથી, પરંતુ નાણાકીય બજારના ટ્રેડિંગ જેવી છે જ્યાં લોકો 'હા કે ના' (Yes-or-No) પ્રકારના સવાલો પર ટ્રેડિંગ કરે છે. કલ્શીએ યુટાહના જુગારના કાયદા સામે રક્ષણ મેળવવા માટે ફેબ્રુઆરીમાં કોર્ટમાં કેસ પણ કર્યો હતો, પરંતુ ઓગસ્ટમાં ફેડરલ જજે કંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો અને સપ્ટેમ્બરમાં અપીલ કોર્ટે પણ કાયદાના અમલીકરણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. અદાલતના આદેશો છતાં યુટાહમાં શરતો સ્વીકારવાનું ચાલુ રાખવા બદલ હવે કંપની સામે કડક ફોજદારી પગલાં લેવામાં આવ્યા છે. બીજી તરફ, અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ રેગ્યુલેટર્સ દ્વારા કલ્શી અને તેના પ્રતિસ્પર્ધીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને ન્યૂ જર્સી રાજ્યે આ માેટી કાનૂની લડાઈનો કાયમી ઉકેલ લાવવા યુએસ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
