બુધવારે સવારે લગભગ 8.30 વાગ્યે સ્પેનમાં રેલવે ટ્રેક પર એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં 68 લોકોના જીવ ગયા છે. સેન્ટ્રલ સ્પેનના ઉર્દા પાસે બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી ભયાનક ટક્કર પાછળ કમ્પ્યુટરમાં સર્જાયેલી ટેકનિકલ ગ્લિચ અને ત્યારપછી થયેલી માનવીય ભૂલો જવાબદાર હોવાનું ખૂલ્યું છે. 69 કિલોમીટરના રૂટ પર એલઝેડબી ટ્રેન કંટ્રોલ સિસ્ટમ ફેલ થવાથી અચાનક જ ઇર્યો અને રેનફ એવી ટ્રેનો રોકાઈ ગઈ હતી. જોકે, આ ટેકનિકલ ખામી સુધારવાને બદલે કંટ્રોલ સેન્ટરના સ્ટાફે જે લાપરવાહી દાખવી તેણે મોટો ભોગ લીધો હતો.
મેડ્રિડના અટોચા સ્ટેશન પર આવેલા કંટ્રોલ સેન્ટરે એવી ટ્રેનના ડ્રાઇવરને સામાન્ય સ્પીડે ટ્રેન દોડાવવા માટે કહી દીધું હતું, જ્યારે નિયમ પ્રમાણે સિસ્ટમ ફેલ હોય ત્યારે ડ્રાઇવરે મહત્તમ 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જ ગાડી ચલાવવાની હોય છે જેથી કોઈ મુશ્કેલી વખતે ટ્રેન રોકી શકાય. પરંતુ આ કેસમાં ટ્રેન અશક્ય તેટલી હાઇ સ્પીડમાં હતી અને પાછળથી આવી રહેલી એવી ટ્રેને આગળ ઊભેલી ઇર્યો ટ્રેનને જબરદસ્ત ટક્કર મારી દીધી હતી. એટલું જ નહીં, કંટ્રોલ સેન્ટરે ઇર્યો ટ્રેનના ડ્રાઇવર સાથે પણ વાતચીત કરી હતી છતાં એવા ડ્રાઇવરને આગળ ઊભેલી ટ્રેન વિશે કોઈ જ વોર્નિંગ આપવામાં આવી નહોતી અને ટ્રેન લગભગ 25 કિલોમીટર સુધી દોડ્યા પછી અકસ્માતનો ભોગ બની હતી.
આ દુર્ઘટના બાદ સ્પેનના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓસ્કાર પુએન્ટેએ કંટ્રોલ સેન્ટરના નિર્ણયોને અત્યંત ચોંકાવનારા અને અગમ્ય ગણાવ્યા છે. આ વર્ષે સ્પેનમાં હાઇ-સ્પીડ રેલવે અકસ્માતની આ બીજી મોટી ઘટના છે, જેમાં અગાઉ જાન્યુઆરીમાં પણ એક અકસ્માતમાં 46 લોકોના મોત થયા હતા. હાલ સિવિલ ગાર્ડ અને રેલવે એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન કમિશન દ્વારા આ સમગ્ર મામલાની ઊંડી તપાસ ચાલી રહી છે. દેશના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે રેલવે નેટવર્ક પર જનતાનો વિશ્વાસ પાછો મેળવવા માટે કડક તપાસ અને સુધારા કરવાનું વચન આપ્યું છે.
