JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારે રચ્યો ઇતિહાસ, તોડ્યો 100 વર્ષ જૂનો રેકોર્ડ

Oct 29, 2026 | 21:48 | By JAMNAGAR MIRROR
મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારે રચ્યો ઇતિહાસ, તોડ્યો 100 વર્ષ જૂનો રેકોર્ડ
રણજી ટ્રોફીમાં મિઝોરમ તરફથી રમતા 29 વર્ષીય બેટ્સમેન ચિન્મય સુતારે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ ધમાકો મચાવ્યો છે. નાગાલેન્ડ સામે અણનમ 400 રન ફટકાર્યા બાદ મેઘાલય સામે પણ શાનદાર સદી ફટકારીને તેણે ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી વિલ પોન્સફોર્ડનો એક સદી જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ઘરેલુ ક્રિકેટ જગતમાં હાલ મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે અને તે રોકાવાના કોઈ સંકેત દેખાડી રહ્યો નથી. મૂળ મુંબઈના આ 29 વર્ષીય બેટ્સમેને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆત એટલી તો તોફાની અંદાજમાં કરી છે કે ક્રિકેટ જગતના દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મુંબઈની સ્પર્ધાત્મક ક્રિકેટ સર્કિટમાં પૂરતી તકો ન મળતા તેણે 2026-27 સીઝન પહેલા મિઝોરમ તરફથી રમવાનું શરૂ કર્યું અને પોતાના આ નિર્ણયને સાચો સાબિત કરીને રેકોર્ડ બુકમાં સોનાના અક્ષરોએ નામ લખાવી દીધું છે.

ચિન્મય સુતારે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆત મણિપુર સામે 35 અને 99 રનની ઇનિંગ્સથી કરી હતી, જ્યાં તે કમનસીબે માત્ર 1 રન માટે સદી ચૂકી ગયો હતો. જોકે, ત્યારબાદ નાગાલેન્ડ સામે નડિયાદ ખાતે રમાયેલી મેચમાં તેણે ઇતિહાસ રચતા 517 બોલમાં 46 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 400 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં તેણે છેલ્લી વિકેટ માટે લાલરેમ્પુઇયા સાથે મળીને 190 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. આ ઐતિહાસિક ઇનિંગ બાદ તેણે મેઘાલય સામે પણ શાનદાર બેટિંગ જારી રાખી અને 215 બોલમાં 12 ચોગ્ગા ફટકારીને વધુ 125 રનની સદી ફટકારી દીધી છે.

આ સતત શાનદાર પ્રદર્શનના જોરે ચિન્મય સુતારે તેની પ્રથમ 4 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં કુલ 659 રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના વિલ પોન્સફોર્ડનો 100 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે, જેમણે પોતાની પ્રથમ 4 ઇનિંગ્સમાં 616 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, ચિન્મય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં 400 રન બનાવનાર દુનિયાનો માત્ર 10મો બેટ્સમેન બન્યો છે, જેમાં બ્રાયન લારા અને ડોન બ્રેડમેન જેવા મહાન ખેલાડીઓનો સમાવેશ થાય છે. રણજી ટ્રોફીમાં ચારગણી સદી ફટકારનાર તે ભાઈસાહેબ નિમ્બાલકર બાદ માત્ર બીજો જ બેટ્સમેન છે.

LATEST ARTICLES