ટર્કીનું દુનિયાભરમાં જાણીતું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કાપ્પાડોસિયા ગુરુવારે કુદરતી આફતની ચપેટમાં આવી ગયું હતું. વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અચાનક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે એક વિશાળકાય પથ્થરનો મિનારો અચાનક ધરાશાયી થઈ ગયો હતો. પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય એવા આ સ્થળે બનેલી આ ઘટનાથી સ્થાનિક તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ દુર્ઘટનાની વિગતો આપતા નેવશેહિરના ગવર્નર હુસેયિન કોકે જણાવ્યું હતું કે, બચાવ ટીમોએ કાટમાળ હટાવીને ઘટનાસ્થળેથી બે મૃતકોના શબ બહાર કાઢી લીધા છે. આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો છે, જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે જ્યાં ડોક્ટરો તેની દેખરેખ રાખી રહ્યા છે. ભારે વરસાદને કારણે બનેલી આ ઘટનાએ પ્રવાસીઓની સુરક્ષા સામે પણ મોટા સવાલો ખડા કર્યા છે.
કાપ્પાડોસિયા તેના અદભુત પથ્થરના આકારો અને પ્રવાસન માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે, પરંતુ આવી આકસ્મિક દુર્ઘટનાઓએ તંત્રને પણ એલર્ટ કરી દીધું છે. હાલમાં પ્રશાસન દ્વારા આસપાસના વિસ્તારમાં કોઈ અન્ય જોખમ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
