અમદાવાદમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરના બજારો અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ખરીદીનો માહોલ જોરશોરથી જામ્યો છે. લોકો કપડાં, મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને વિવિધ ગિફ્ટની ખરીદી માટે આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર્સ શોધી રહ્યા છે. તહેવારોની આ ઉતાવળ અને સસ્તી ચીજવસ્તુઓની લાલચનો ગેરફાયદો ઉઠાવવા માટે સાયબર ગઠિયાઓ પણ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે. લોકોના મોબાઈલ પર આવતી શંકાસ્પદ લિંક્સ અને નકલી ઓફર્સ મહેનતની કમાણી ક્ષણવારમાં સાફ કરી શકે છે, જેને લઈને અત્યારથી જ એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
આ ઠગાઈ કરવા માટે સાયબર ઠગ્સ લોકોના મોબાઈલ પર જાણીતી બ્રાન્ડની વસ્તુઓ બજારભાવ કરતાં અડધી કિંમતમાં મળવાના લાલચુ મેસેજ મોકલે છે. તહેવારના ઉત્સાહમાં લોકો વિગતો તપાસ્યા વગર જ આ લિંક્સ પર ક્લિક કરી દે છે, જે તેમને સીધી નકલી વેબસાઇટ પર લઈ જઈને બેંક વિગતો અને OTP ચોરી લે છે. આટલું જ નહીં, ગિફ્ટ કે વધારાના ડિસ્કાઉન્ટના નામે અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવતી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી ફોનની સુરક્ષા જોખમમાં મુકાય છે અને ફોનનો પૂરો કંટ્રોલ હેકર્સના હાથમાં જતો રહે છે. આવી સ્થિતિમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા નાગરિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરીને અજાણ્યા નંબરની APK ફાઇલ ડાઉનલોડ ન કરવા અને શંકાસ્પદ લિંકથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે.
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે માત્ર સત્તાવાર વેબસાઇટ્સ કે ઓથોરાઈઝ્ડ એપ્સ દ્વારા જ ઓનલાઈન ખરીદી કરવી જોઈએ અને બેંક એકાઉન્ટની વિગતો, પાસવર્ડ કે OTP ક્યારેય કોઈની સાથે શેર ન કરવા જોઈએ. જો ભૂલથી પણ કોઈ શંકાસ્પદ APK ઇન્સ્ટોલ થઈ જાય કે નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા હોવ, તો તહેવાર બગડે તે પહેલાં તાત્કાલિક તમારા બેંક ખાતાને બ્લોક કરાવો. આ સાથે જ કેન્દ્ર સરકારના અધિકૃત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા cybercrime.gov.in વેબસાઇટ પર ત્વરિત ફરિયાદ નોંધાવવી. દિવાળીમાં ખુશીઓ અને ખરીદીનો પૂરો આનંદ માણો, પરંતુ નાની સાવધાની રાખીને તમારી મહેનતની મૂડી ચોક્કસ સુરક્ષિત રાખો.
