ઇન્ડિયાનાપોલિસમાં લોકોને મુશ્કેલ સમયમાં હસાવવા અને માનસિક ટેકો આપવાનું એક અદ્ભુત કામ ચાલી રહ્યું છે. અહીંની 'રેન્ડમ એક્ટ્સ ઓફ ફ્લાવર્સ ઇન્ડિયાનાપોલિસ' નામની ચેરિટી સંસ્થાએ 27 ઓક્ટોબર 2026ના રોજ પોતાની સેવાના 10 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસરે સંસ્થાએ એસ્કેનાઝી હેલ્થ હોસ્પિટલમાં દર્દીઓને પોતાનું 175,000મું ફૂલોનું બુકે ભેટમાં આપ્યું હતું. આ સંસ્થાની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી, જ્યારે માત્ર 45 મિનિટમાં જ સપોર્ટર્સ દ્વારા 9,000 ડૉલરનું ફંડ એકત્ર કરીને આ બ્રાન્ચ ખોલવામાં આવી હતી.
આ સંસ્થાનો મુખ્ય હેતુ ફૂલોનો બગાડ અટકાવવાનો અને દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવાનો છે. સંસ્થાના વોલન્ટીયર્સ લગ્નો, મેમોરિયલ સર્વિસ, ફ્લોરિસ્ટ્સ અને ગ્રોસરી સ્ટોર્સ પરથી બચેલા કે વણવપરાયેલા ફૂલો એકત્ર કરે છે. ત્યારબાદ વર્કશોપમાં આ ફૂલોને સુંદર બુકેમાં ગોઠવવામાં આવે છે અને ઇન્ડિયાનાપોલિસ વિસ્તારની હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ અને હોસ્પિસના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેલ્ી મેકબ્રાઈડે જણાવ્યું હતું કે આ 175,000 બુકે માત્ર ફૂલો નથી, પરંતુ દર્દીઓ સાથે વહેંચેલી દયા અને ખુશીની હજારો ક્ષણો છે. આ આખી સિસ્ટમ વોલન્ટીયર્સ, ડૉનર્સ અને કમ્યુનિટી પાર્ટનર્સના સહયોગથી ચાલે છે.
આ અનન્ય મોડેલ પાછળનો ઇતિહાસ પણ રસપ્રદ છે. વર્ષ 2007માં ફાઉન્ડર લાર્સન જે એક ગંભીર અકસ્માતમાંથી બચી ગયા હતા અને હોસ્પિટલના આઈસીયુમાં બેડ પર હતા. ત્યારે તેમણે જોયું કે તેમના રૂમમાં શુભેચ્છકો દ્વારા મોકલાયેલા ફૂલોની ભરમાર હતી, જ્યારે બાજુના દર્દીઓ પાસે એક પણ ફૂલ નહોતું. તેમણે પોતાના વધારાના ફૂલો અન્ય દર્દીઓમાં વહેંચવાનું શરૂ કર્યું, જેનાથી પ્રેરણા લઈને આ રાષ્ટ્રીય સંસ્થાની શરૂઆત થઈ. આગામી સમયમાં પણ આ સંસ્થા લોકલ સપ્લાયર્સ અને વોલન્ટીયર્સની મદદથી હોસ્પિટલોમાં નિયમિત ફૂલો પહોંચાડવાનું કામ ચાલુ રાખશે.
