JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટેક્સાસના લા બોટા રાંચના રહેવાસીઓની દસ વર્ષની કાનૂની લડત રંગ લાવી, પાર્ક અને રસ્તાઓ હવે પોતાના થયા

Oct 29, 2026 | 21:02 | By JAMNAGAR MIRROR
ટેક્સાસના લા બોટા રાંચના રહેવાસીઓની દસ વર્ષની કાનૂની લડત રંગ લાવી, પાર્ક અને રસ્તાઓ હવે પોતાના થયા
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા લા બોટા રાંચના રહેવાસીઓએ ડેવલપર્સ સામે લાંબી કાનૂની લડત બાદ આખરે પોતાના જ વિસ્તારના પાર્ક, રસ્તા અને તળાવોની માલિકી મેળવી લીધી છે. એસોસિએશનની વધતી જતી ફી અને મનમાની સામે શરૂ થયેલી આ લડતમાં કોર્ટ અને જ્યુરીનો ફેંસલો રહેવાસીઓની તરફેણમાં આવતા 20 ઓગસ્ટ 2026ના રોજ સત્તાવાર રીતે માલિકી હસ્તાંતરિત કરવામાં આવી છે.

ટેક્સાસના લારેડો શહેરમાં આવેલા જાણીતા રેસિડેન્શિયલ એરિયા લા બોટા રાંચના રહેવાસીઓ લાંબા સમયથી એ વાતથી પરેશાન હતા કે તેઓ એસોસિએશનની ભારે ફી ભરે છે, છતાં સોસાયટીના સંચાલન પર તેમનો કોઈ જ અધિકાર નહોતો અને ડેવલપર્સ જ બધું નિયંત્રિત કરતા હતા. વર્ષ 2015માં જ્યાં લા બોટા રાંચ ઓનર્સ એસોસિએશનની વાર્ષિક ફી 1,328 ડૉલર હતી, તે વધીને 2016માં સીધી 2,268 ડૉલર થઈ ગઈ હતી. આવી જ રીતે બીજી પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશનની ફી પણ 1,651 ડૉલરથી વધારીને 2,600 ડૉલર કરી દેવામાં આવી હતી. અચાનક થયેલા આ જબરદસ્ત વધારા અને સુવિધાઓમાં ઘટાડા સામે ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ વર્ષ 2017માં ડેવલપર્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને મેનેજમેન્ટમાં પોતાના હકની માંગ કરી હતી.

આ કેસમાં વર્ષો સુધી કાનૂની લડાઈ ચાલી અને આખરે માર્ચ 2022માં જ્યુરીએ રહેવાસીઓની તરફેણમાં ફેંસલો આપતા જણાવ્યું કે ડેવલપર્સે પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નથી નિભાવી. ત્યારબાદ જુલાઈ 2022માં જજ જો લોપેઝે ચાર બોર્ડ મેમ્બર્સને હટાવવાનો આદેશ આપ્યો અને જાન્યુઆરી 2023માં નવા હોમઓનર બોર્ડની રચના કરવામાં આવી હતી. જોકે, માત્ર બોર્ડ બદલવાથી માલિકી હકોનો વિવાદ નહોતો ઉકેલાયો, જેથી આગળની વાટાઘાટો ચાલુ રહી હતી. આ દરમિયાન સ્કૂલ પાસેના વિસ્તારમાં વેરહાઉસ બનાવવાના વિવાદમાં પણ રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પરિસ્થિતિ સંભાળવા સિટીએ હસ્તક્ષેપ પણ કર્યો હતો. ઓક્ટોબર 2024માં વધુ એક કેસ થયા બાદ ફેબ્રુઆરી 2026થી સેટલમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ હતી.

આખરે તમામ કાનૂની અડચણો પાર કરીને 20 ઓગસ્ટ 2026ના રોજ પ્રોપર્ટી ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી અને સોસાયટીની કોમન પ્રોપર્ટી રહેવાસીઓના હાથમાં આવી ગઈ છે. આ ઐતિહાસિક ટ્રાન્સફર હેઠળ હવે લા બોટા રાંચના કોમ્યુનિટી સેન્ટર, પાર્ક, પ્રાઈવેટ રસ્તાઓ, સોકર ફિલ્ડ, તળાવો અને ગાર્ડહાઉસ જેવી તમામ મહત્વની ચીજોની માલિકી અને દેખરેખની જવાબદારી સીધી સ્થાનિક રહેવાસીઓની એસોસિએશન પાસે આવી ગઈ છે. દસ વર્ષ સુધી ચાલેલી આ લાંબી મથામણ અને કાનૂની સંઘર્ષ પછી મળેલી આ જીતથી સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ છે અને હવે તેઓ પોતાની સોસાયટીના નિર્ણયો જાતે લઈ શકશે.

LATEST ARTICLES