દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે સાયબર ફ્રોડનું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આ ઠગો ગામડાનાભોળા લોકોને સસ્તી દવાઓ આપવાના બહાને નકલી હેલ્થ કેમ્પ યોજતા અને તેમના આધાર કાર્ડ તથા બાયોમેટ્રિક વિગતો ચોરી લેતા હતા. આ ડેટાનો ઉપયોગ કરીને તેઓ ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાયબર ક્રાઈમ માટે e-SIM એક્ટિવ કરતા હતા. તાજેતરમાં જ ડિજિટલ અરેસ્ટના એક મોટા કેસની તપાસ દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશના મથુરા ખાતે દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો, જેને WhatsApp પર કોલ કરીને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપવામાં આવી હતી. અંદાજે 2 અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને પીડિત પાસેથી 6 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 1.64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. ટેકનિકલ તપાસના આધારે પોલીસ મથુરાના વૃંદાવન સુધી પહોંચી હતી અને 20 અને 21 ઓક્ટોબરની રાત્રે સદર વિસ્તારના કોટા ગામમાં રેડ પાડીને 29 વર્ષના જીતેન્દ્ર સિંહ અને 21 વર્ષના બ્રજેશ કુમારની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે આ આરોપીઓ છેલ્લા 1 વર્ષથી રોજના 20થી 30 e-SIM એક્ટિવ કરતા હતા અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટેલિગ્રામ દ્વારા ઓનલાઈન સપ્લાય કરતા હતા. તેઓ 800 થી 1,200 રૂપિયામાં e-SIM ખરીદીને આગળ 2,000 રૂપિયામાં વેચતા હતા અને આ બધી લેવડ-દેવડ ક્રિપ્ટોકરન્સી યુએસડીટી (USDT) દ્વારા થતી હતી.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ ગેંગ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 3,000થી વધુ SIM કાર્ડ એક્ટિવ કરવામાં આવ્યા હતા, જેઓ અંદાજે 2.64 કરોડ રૂપિયાના 20થી વધુ સાયબર ફ્રોડ કેસો સાથે જોડાયેલા છે. આ આરોપીઓના વિદેશી સંપર્કો અને વ્યાપક નેટવર્ક વિશે પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે તેમની પાસેથી 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જ્યારે આરોપીઓ પોલીસ પકડથી બચવા અગાઉ વારંવાર પોતાના ફોન બદલી નાખતા અને જૂના ફોન તોડી નાખતા હતા. આ રેકેટ સામે આવ્યા બાદ સાયબર સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે.
