JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

IDBI બેંકના ખાનગીકરણનો ભારે વિરોધ, કેનેડિયન કંપની ફેરફેક્સને હિસ્સો વેચવા સામે કર્મચારીઓ મેદાને

Oct 29, 2026 | 20:28 | By JAMNAGAR MIRROR
IDBI બેંકના ખાનગીકરણનો ભારે વિરોધ, કેનેડિયન કંપની ફેરફેક્સને હિસ્સો વેચવા સામે કર્મચારીઓ મેદાને
કેન્દ્ર સરકાર દ્વારા IDBI બેંકમાં પોતાનો મોટો હિસ્સો કેનેડાની ફેરફેક્સ કંપનીને વેચવાના નિર્ણય સામે યુનાઇટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોય્સે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓએ આ પ્રક્રિયા તાત્કાલિક અટકાવીને સંસદીય તપાસ કરવાની માંગ કરી છે, જેથી રાષ્ટ્રીય સંપત્તિને ઓછા ભાવે વેચી દેવામાં ન આવે.

દિલ્હીમાં મળેલી એક નેશનલ કન્વેન્શનમાં યુનાઇટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોય્સે IDBI બેંકના પ્રસ્તાવિત ખાનગીકરણ સામે મોરચો ખોલ્યો છે. યુનિયનના કન્વીનર દેવિદાસ તુલજાપુર્કરે જણાવ્યું હતું કે હાલની માર્કેટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અત્યંત ઉતાવળિયો અને અયોગ્ય છે. સરકારે વેલ્યુએશન મેથડોલોજી, રિયલ એસ્ટેટની કિંમતો અને એસેટ્સ અંગે પારદર્શક માહિતી જાહેર કરવી જોઈએ. કર્મચારીઓની ગંભીર ચિંતા છે કે આ ડીલના કારણે બેંકની પ્રોપર્ટીઝ અને તેની લાંબા ગાળાની વ્યૂહાત્મક મહત્તાનું સાચું મૂલ્યાંકન નહીં થાય અને નેશનલ એસેટ સસ્તા ભાવે વેચાઈ જશે.

સરકાર અને LIC મળીને IDBI બેંકમાં અનુક્રમે 45.48 ટકા અને 49.24 ટકા ઇક્વિટી શેર્સ ધરાવે છે. સરકારે તાજેતરમાં જ કેનેડાના પ્રીમિયમ વત્સાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સને બેંકમાં 60.72 ટકા હિસ્સો અંદાજે 53000 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી દીધી છે. આ ડીલ હેઠળ ફેરફેક્સ પ્રતિ શેર 81 રૂપિયા ચૂકવશે, જે નિર્ધારિત બેન્ચમાર્ક વેલ્યુ 75.99 રૂપિયા કરતાં વધુ છે. આ આખી પ્રક્રિયા પૂરી થતાં ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં આ સૌથી મોટું વિદેશી રોકાણ બનશે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં RBIની મંજૂરી બાદ આ ડીલ પૂરી થવાની અપેક્ષા છે.

આ વિરોધ પાછળ ભૂતકાળના વાયદાઓ અને કર્મચારીઓના ભવિષ્યનો મુદ્દો પણ જોડાયેલો છે. યુનિયને યાદ અપાવ્યું કે ભૂતકાળમાં જ્યારે IDBIને બેંકિંગ કંપનીમાં ફેરવવામાં આવી ત્યારે સંસદમાં સરકારે 51 ટકા હિસ્સો જાળવી રાખવાની ખાતરી આપી હતી, જેનો હાલ ભંગ થતો દેખાઈ રહ્યો છે. બેંકમાં હાલ કુલ 19108 કર્મચારીઓ કામ કરે છે, જેમાં SC, ST અને OBC કેટેગરીના 9500, તેમજ 6911 મહિલાઓ અને 884 દિવ્યાંગ કર્મચારીઓ સામેલ છે. કર્મચારીઓની માંગ છે કે ખાનગીકરણની આ દોડમાં અનામત, રોજગારીની સુરક્ષા અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જેવા સામાજિક હિતો સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ.

LATEST ARTICLES