1874માં જોન ડંકન નામના વ્યક્તિએ કોલોરાડોના પર્વતીય વિસ્તારમાં સોનાની ખાણ શોધી કાઢ્યા બાદ ત્યાં અચાનક જ અસંખ્ય લોકોની ભીડ જામવા લાગી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ જગ્યાએ સમય જતાં હોટેલ, બેકરી, ન્યૂઝપેપર ઓફિસ અને બાથહાઉસ જેવાં તમામ સાધનો સાથેનું એક ધમધમતું શહેર ઊભું થઈ ગયું. 1890ના દાયકાના અંત સુધીમાં આ ગોલ્ડ રશ પાછળ ગાંડા બનેલા લગભગ 3,000 લોકો સોનું મેળવવાની આશામાં અહીં આવીને વસી ગયા હતા અને જોન ડંકને આ જમીનના પ્લોટ વેચીને મોટી કમાણી પણ કરી હતી.
આ શહેર ભલે ધમધમતું થઈ ગયું હતું, પણ તેની પાછળ જમીનની માલિકીનો મોટો વિવાદ છુપાયેલો હતો. ડંકનના રહેવાસીઓ એવું માનતા હતા કે તેમણે કોલોરાડો રાજ્ય પાસેથી કાયદેસર જમીન ખરીદી છે, પરંતુ હકીકતમાં આ જમીન એક મોટી ગ્રાન્ટની હદમાં આવતી હતી જેની ચોક્કસ હદ નક્કી નહોતી થઈ. વર્ષ 1899માં જ્યારે જ્યોર્જ આદમ નામના ર્ડાન્ચરે આ જમીન ખરીદીને સરવે કરાવ્યો, ત્યારે ડંકનના લોકો ગેરકાયદેસર દબાણકર્તા સાબિત થયા. મામલો કોર્ટમાં ગયો અને ચુકાદો જમીન માલિકની તરફેણમાં આવતા આખો ખેલ પલટાઈ ગયો.
કોર્ટના આદેશ બાદ વર્ષ 1900માં યુએસ માર્શલ્સે આખી વસ્તીને ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, આ કાર્યવાહી હિંસક નહોતી, જેમાં મકાન માલિકોને પ્રતિ સ્ટ્રક્ચર 125 ડોલરનું વળતર અપાયું હતું અને મકાનો ખસેડવાની શરતે માત્ર 10 ડોલરમાં તે પાછા ખરીદવાનો વિકલ્પ પણ અપાયો હતો. મોટાભાગના લોકોએ ત્યાંથી ખસીને લિબર્ટી નામનું નવું ટાઉન વસાવ્યું, જે પણ સમય જતાં લુપ્ત થઈ ગયું. આજે રિયો ગ્રાન્ડે નેશનલ પાર્ક પાસે ડંકનનું માત્ર એક જ જૂનું કેબિન બચ્યું છે, જે ઇતિહાસની સાક્ષી પૂરે છે અને સોનાની લાલચમાં આવતા સામાન્ય લોકો માટે એક મોટી ચેતવણી સમાન બની રહ્યું છે.
