બેંગલુરુમાં મળેલી કેબિનેટ બેઠકમાં દૂધના ભાવ વધારવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. વધતા જતા ખર્ચ સામે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે લાંબા સમયથી માંગણી થઈ રહી હતી અને દૂધ ઉત્પાદકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ નોંધાવ્યો હતો. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટું પગલું ભર્યું છે, જે આગામી 1 નવેમ્બરથી આખા રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે.
મંત્રી કૃષ્ણા બૈરે ગૌડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતો શરૂઆતમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો માંગતા હતા અને કૂપરેટિવ્સ પણ આ મુદ્દે સતત રજૂઆત કરી રહી હતી. કેબિનેટે આ તમામ બાબતો પર ગંભીરતાથી ચર્ચા કરી અને સર્વાનુમતે પ્રતિ લિટર 8 રૂપિયાનો વધારો નક્કી કર્યો છે. આ વધેલી રકમમાંથી 7 રૂપિયા ખેડૂતોના ખાતામાં જશે અને 1 રૂપિયો સહકારી મંડળીઓને ફાળવવામાં આવશે.
આ નવા ફેરફાર બાદ ખેડૂતોને હાલ જે 35 રૂપિયા પ્રતિ લિટર મળે છે તે વધીને 42 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. આ ઉપરાંત સરકાર તરફથી મળતી 5 રૂપિયાની ઇન્સેન્ટિવ રકમ પણ યથાવત રહેશે, જેથી ખેડૂતોને કુલ 47 રૂપિયા પ્રતિ લિટર જેટલી રકમ મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો પશુપાલકો અને ખેડૂત પરિવારોને આર્થિક સહારો મળશે અને તેમનું જીવન ધોરણ સુધરશે.
