JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ગૂગલના નવા AI મોડેલથી પ્રભાવિત થયા એલન મસ્ક, માત્ર એક શબ્દમાં કરી પ્રશંસા

Oct 29, 2026 | 16:20 | By JAMNAGAR MIRROR
ગૂગલના નવા AI મોડેલથી પ્રભાવિત થયા એલન મસ્ક, માત્ર એક શબ્દમાં કરી પ્રશંસા
ગૂગલ દ્વારા સાયબર સિક્યુરિટી અને સોફ્ટવેર એન્જિનિયરિંગ માટે લોન્ચ કરવામાં આવેલા નવા જેમિની 4 કાર્બન AI મોડેલની ચર્ચા સમગ્ર ટેક વર્લ્ડમાં થઈ રહી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની આ પોસ્ટ પર ટ્વિટર એટલે કે એક્સ પર ટેક દિગ્ગજ એલન મસ્કે માત્ર એક જ શબ્દમાં પ્રતિક્રિયા આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ટેક વર્લ્ડમાં અત્યારે ગૂગલના લેટેસ્ટ AI મોડેલ જેમિની 4 કાર્બનને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે, જેને લઈને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ગૂગલના હરીફ ગણાતા ટેક લીડર અને સ્પેસએક્સએસઆઈના વડા એલન મસ્કે સુંદર પિચાઈની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા માત્ર ઇમ્પ્રેસિવ લખ્યું હતું. જેના જવાબમાં સુંદર પિચાઈએ પણ હાથ જોડતા ઇમોજી સાથે આભાર વ્યક્ત કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ પહેલાં જુલાઈ મહિનામાં પણ જ્યારે ગૂગલના ક્વાર્ટરલી પરિણામો આવ્યા હતા, ત્યારે પણ મસ્કે આવી જ રીતે માત્ર ઇમ્પ્રેસિવ શબ્દ કહીને પ્રશંસા કરી હતી.

ગૂગલનું આ નવું જેમિની 4 કાર્બન મોડેલ ખાસ કરીને સાયબર સિક્યુરિટી ડિફેન્સ અને જટિલ સોફ્ટવેર એન્જિનિયરિંગના કાર્યો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગૂગલના બ્લોગ અનુસાર આ મોડેલ સોફ્ટવેરમાં રહેલી ખામીઓને શોધી કાઢવામાં, તેનું પરીક્ષણ કરવામાં અને તેને ફિક્સ કરવા માટે સચોટ પેચ બનાવવામાં ખૂબ સક્ષમ છે. કંપનીના દાવા મુજબ આ મોડેલે એસઈસી-બેન્ચ પ્રો પર 88.2 ટકા સ્કોર મેળવ્યો છે, જ્યારે એક્સપ્લોઇટજીમ પર 54.8 ટકા અને સીડબલ્યુઈ-બેન્ચ પર 71 ટકા સ્કોર નોંધાવ્યો છે. એટલું જ નહીં, આ મોડેલ તેના અગાઉના વર્ઝન જેમિની 4 આર્ગોન કરતાં બમણી સફળતા સાથે સુરક્ષિત કોડ જનરેટ કરવામાં પણ સક્ષમ હોવાનું કંપનીએ જણાવ્યું છે.

સુરક્ષા અને દુરુપયોગની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ગૂગલે હાલમાં આ મોડેલને માત્ર ફેરવિન્ડ પ્રોગ્રામના સિલેક્ટેડ સાયબર સિક્યુરિટી ડિફેન્ડર્સ માટે જ ઉપલબ્ધ કરાવ્યું છે, અને સેફગાર્ડ્સની ચકાસણી બાદ ધીમે ધીમે તેને અન્ય ભાગીદારો માટે રોલઆઉટ કરવામાં આવશે. આ મોડેલની કિંમત ઇનપુટ ટોકન્સ માટે પ્રતિ મિલિયન 2 ડોલર અને આઉટપુટ ટોકન્સ માટે પ્રતિ મિલિયન 10 ડોલર રાખવામાં આવી છે. ગૂગલે માત્ર 2 સપ્તાહ પહેલા જ આર્ગોન મોડેલ લોન્ચ કર્યું હતું અને હવે આ નવા કાર્બન મોડેલના આગમનથી AI સેક્ટરમાં સ્પર્ધા વધુ તેજ બની ગઈ છે.

LATEST ARTICLES