દેશભરમાં નાન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ એટલે કે NBFCs પર સાયબર ગુનેગારોએ આતંક મચાવ્યો છે. છેલ્લા બે મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો દુરુપયોગ કરીને મોટાપાયે સાયબર હુમલા કરવામાં આવ્યા છે, જેના કારણે નાણાકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘાતક હુમલાઓ દ્વારા સાયબર ગઠિયાઓએ અંદાજે 300 કરોડ રૂપિયાની ઉચાપત કરી નાખી છે અને આ ગંભીર મામલે દેશભરમાં અત્યાર સુધીમાં 150 જેટલી ફરિયાદો કે FIR દાખલ કરવામાં આવી ચૂકી છે.
સૂત્રોના અહેવાલ મુજબ, છેલ્લા દોઢ મહિનામાં આવા હુમલાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. દિલ્હીની એક જ NBFC કંપનીએ તો પ્રથમ હુમલામાં 7.5 કરોડ રૂપિયા અને થોડા દિવસો બાદ થયેલા બીજા હુમલામાં 7.25 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ હુમલાખોરો ખાસ કરીને એવી કંપનીઓને ટાર્ગેટ કરી રહ્યા છે જેનું વાર્ષિક ટર્નઓવર 1000 કરોડ રૂપિયા કે તેથી ઓછું હોય અને જેનું સાયબર સુરક્ષા માળખું નબળું હોય. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે હેકર્સ કોઈપણ કંપની પર હુમલો કરતા પહેલા 10 થી 12 દિવસ સુધી તેની કામગીરીનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરે છે અને પેમેન્ટ પદ્ધતિ તથા સિસ્ટમની ખામીઓનો અભ્યાસ કરે છે.
આ મામલે સાયબર સિક્યોરિટી એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે અને ચીની હેકિંગ પ્લેટફોર્મ ’સાયબરસ્ટ્રાઈક’ તથા ચાઇનીઝ AI ઓપન-સોર્સ મોડલ્સની સંડોવણી શોધી કાઢી છે. AI ટૂલકિટ્સને કારણે હેકિંગ એટલું સરળ બન્યું છે કે માત્ર આદેશ આપવાથી AI એજન્ટ જાતે જ હેકિંગ કરી લે છે. સાયબર ઇન્ટેલિજન્સ ફર્મ ’સાયબલ’ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મંદાર પાટીલના જણાવ્યા અનુસાર, AI ની મદદથી હેકર્સ ગ્રાહકો સાથે હિન્દી કે તમિલ જેવી સ્થાનિક ભાષાઓમાં અસ્ખલિત વાતચીત કરીને છેતરે છે. હાલ આ એજન્સીઓ તમામ NBFCs ને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સત્વરે અપગ્રેડ કરવાની કડક સલાહ આપી રહી છે જેથી આગામી દિવસોમાં આવી મોટી ઠગાઈ અટકાવી શકાય.
