JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ઉત્તર પ્રદેશમાં કડક નિયમ, હિંસક આંદોલનમાં ભાગ લેનારાઓને નહીં મળે સરકારી નોકરી

Oct 29, 2026 | 15:46 | By JAMNAGAR MIRROR
ઉત્તર પ્રદેશમાં કડક નિયમ, હિંસક આંદોલનમાં ભાગ લેનારાઓને નહીં મળે સરકારી નોકરી
ઉત્તર પ્રદેશ સરકારે નોકરી ઈચ્છુક યુવાનો માટે ચારિત્ર્ય ચકાસણીની નીતિ ખૂબ કડક બનાવી દીધી છે. જો કોઈ ઉમેદવાર હિંસા કે ગેરકાયદેસર પ્રદર્શનમાં સામેલ હશે તો તે સરકારી નોકરી માટે લાયક નહીં ગણાય, જોકે માત્ર રાજકીય વિચારધારાના આધારે કોઈને અયોગ્ય નહીં ઠેરવાય.

ఉત્તર પ્રદેશમાં સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે હવે સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. સરકારે વિરોધ પ્રદર્શનો કે હિંસક આંદોલનોમાં ભાગ લેનારા ઉમેદવારો માટે એક નવો અને કડક આદેશ જારી કર્યો છે. આ નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ યુપીમાં હિંસા સાથે સંકળાયેલા કોઈ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે, તો તે સીધો જ સરકારી નોકરી માટે અયોગ્ય ઠરશે. રાજ્ય સરકાર દ્વારા અરજદારો માટેની ચારિત્ર્ય ચકાસણીની નીતિને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જોકે આ નીતિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર કોઈની રાજકીય વિચારધારાના આધારે તેને સરકારી નોકરીથી વંચિત રાખવામાં આવશે નહીં.

આ નવા આદેશો નિમણૂક વિભાગના અગ્ર સચિવ એમ. દેવરાજે જારી કર્યા છે, જે ઉત્તર પ્રદેશના તમામ સરકારી વિભાગો, નિગમો અને સ્થાનિક સંસ્થાઓમાં ભરતી વખતે લાગુ થશે. આદેશ મુજબ માત્ર એફઆઈઆર (FIR) નોંધાવી દેવાથી કે તપાસ ચાલુ હોવાથી કોઈ ઉમેદવાર આપોઆપ અયોગ્ય નથી બની જતા, પરંતુ તેનાથી એક ઔપચારિક તપાસ પ્રક્રિયા શરૂૂ થશે અને પોલીસે 30 દિવસની અંદર વેરિફિકેશન રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. જોકે, રાહતની વાત એ છે કે ચકાસણીની આ જોગવાઈઓ હાલમાં સરકારી સેવામાં પહેલેથી જ કાર્યરત કર્મચારીઓને લાગુ પડશે નહીં.

નિયમોમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 21 વર્ષની ઉંમર પછી અને બેકગ્રાઉન્ડ ચેકની તારીખના 3 વર્ષની અંદર જો કોઈ વ્યક્તિ હિંસા કે પ્રસ્થાપિત વ્યવસ્થા બદલવા માગતા સંગઠનોની પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળશે, તો તેને સરકારી નોકરી માટે અયોગ્ય માનવામાં આવશે. જો પોલીસ ઈચ્છે તો આવા વ્યક્તિના ચારિત્ર્ય અંગે એડવર્સ કેરેક્ટર સર્ટિફિકેટ પણ જારી કરી શકે છે. ટૂંકમાં કહીએ તો, યુવાનોએ હવે કોઈપણ પ્રકારના હિંસક વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવું પડશે, નહીં તો તેમની કારકિર્દી અને સરકારી નોકરી મેળવવાનું સપનું કાયમ માટે રોળાઈ શકે છે.

LATEST ARTICLES