JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકામાં ઓપિયોઈડ સંકટ: રિચર્ડ સેકલરની કરોડોની મેન્શન વેચવાનો રસ્તો સાફ

Oct 29, 2026 | 14:16 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં ઓપિયોઈડ સંકટ: રિચર્ડ સેકલરની કરોડોની મેન્શન વેચવાનો રસ્તો સાફ
પર્ડ્યુ ફાર્માના પૂર્વ બોસ રિચર્ડ સેકલરની કનેક્ટિકટવાળી ભવ્ય મેન્શન વેચવા પર રોક લગાવવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ 7.4 અબજ ડોલરના ઓપિયોઈડ સેટલમેન્ટનો ભાગ છે અને ઘર વેચીને આવતી રકમ પીડિતો માટે ભંડોળ ઊભું કરવામાં વાપરવામાં આવશે.

અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ગ્રીનવિચ વિસ્તારમાં આવેલી એક અતિ ભવ્ય મેન્શન હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેનો સંબંધ અમેરિકાને હલાવી દેનાર ઓપિયોઈડ કટોકટી અને પર્ડ્યુ ફાર્મા કંપનીના બેંકરપ્સી વિવાદ સાથે જોડાયેલો છે. પર્ડ્યુ ફાર્માના પૂર્વ વડા રિચર્ડ સેકલર અને લિન ગાઓ દ્વારા આ પ્રોપર્ટીના વેચાણને અટકાવવા માટે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ યુએસ બેંકરપ્સી જજ સીન લેને તેમની આ અરજી ફગાવી દીધી છે. આ ચૂકાદાને કારણે હવે આ મિલકતને વેચીને 7.4 અબજ ડોલરના મોટા સેટલમેન્ટ માટે ફંડ એકત્ર કરવાનો રસ્તો બિલકુલ સાફ થઈ ગયો છે.

આ સમગ્ર મામલો અમેરિકામાં ઓક્સીકોન્ટિન નામની પ્રિસ્ક્રિપ્શન પેઈનકિલર દવાના આક્રમક માર્કેટિંગ અને તેનાથી ફેલાયેલી ડ્રગ એડિક્શનની વ્યાપક મહામારી સાથે જોડાયેલો છે, જેના કારણે હજારો કેસ થયા બાદ પર્ડ્યુ ફાર્મા બેંકરપ્સીમાં ગઈ હતી. કોર્ટના આદેશ અનુસાર રિચર્ડ સેકલર અને તેમના પરિવારે સેટલમેન્ટ પેમેન્ટ ચૂકવવા માટે પોતાની અંગત પ્રોપર્ટીઝ કોલેટરલ તરીકે ગીરો મૂકી હતી, જેમાં આ ગ્રીનવિચ રેસિડેન્સ પણ સામેલ છે. તાજેતરની સુનાવણીમાં જજ લેને સ્પષ્ટ કરી દીધું છે કે સેકલર દંપતી દ્વારા વેચાણની પ્રક્રિયામાં ઊભા કરવામાં આવતા અવરોધો સેટલમેન્ટની શરતોની વિરુદ્ધ છે અને હવે આ પ્રોપર્ટીને વેચીને ફંડ ઊભું કરવાની પ્રક્રિયા આગળ વધશે.

હાલમાં આ મેન્શનમાં લિન ગાઓ અને તેમના બાળકો રહે છે તેમજ અંદર કિંમતી આર્ટવર્ક પણ છે, જેને કારણે વેચાણની પ્રક્રિયામાં થોડી જટિલતાઓ ઊભી થઈ છે અને પરિવારે ઘર ખાલી ન કરતા ટ્રસ્ટને મુશ્કેલી પડી રહી છે. 81 વર્ષના રિચર્ડ સેકલર કે જેમણે ભૂતકાળમાં કંપનીનું નેતૃત્વ કર્યું હતું, તેમની પાસે ફ્લોરિડા સહિત અન્ય ચાર ઘરો પણ છે. કોર્ટના આ ચૂકાદાથી કનેક્ટિકટની આ મેન્શન હવે માત્ર એક પ્રાઈવેટ ઘર નથી રહી, પરંતુ ઓપિયોઈડ કટોકટીના ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા અને આર્થિક મદદ કરવા માટેના કોર્ટ-સુપરવાઈઝ્ડ સેટલમેન્ટનું એક મુખ્ય પ્રતીક બની ગઈ છે. સેકલરના વકીલો આ નિર્ણય સામે હજુ અપીલ કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ હાલ પૂરતું તો આ ઐતિહાસિક પ્રોપર્ટીનું વેચાણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

LATEST ARTICLES