JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

સાંધાના દુખાવા મટાડતી દવાઓ જ કોવિડ અને ફ્લૂના વાયરસને શરીરમાં ફેલાવવામાં કરે છે મદદ

Oct 29, 2026 | 14:16 | By JAMNAGAR MIRROR
સાંધાના દુખાવા મટાડતી દવાઓ જ કોવિડ અને ફ્લૂના વાયરસને શરીરમાં ફેલાવવામાં કરે છે મદદ
નોર્વેની યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રોગપ્રતિકારક શક્તિ ઘટાડતી JAK ઇનહિબિટર્સ દવાઓ વાયરસ સામેના રક્ષણને નબળું પાડે છે. સંશોધકોએ વાયરલ આઉટબ્રેક દરમિયાન ડૉક્ટરોને આ દવાઓ લખી આપતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

સાંધાના દુખાવા કે સોજા માટે આપણે જે દવાઓ લઈએ છીએ તે રાહત આપવા માટે હોય છે, પરંતુ શું તે દવાઓ આપણને વધુ બીમાર કરી શકે છે? નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની એક ટીમે કરેલા તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. આ સંશોધન મુજબ કેટલીક એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ શરીરની વાયરસ સામે લડવાની તાકાતને નબળી પાડી શકે છે, જેથી વાયરસ શરીરમાં ખૂબ જ આસાનીથી ફેલાઈ શકે છે. આ રિપોર્ટ NAR મોલેક્યુલર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયો છે, જે દર્શાવે છે કે આપણે જે દવાઓ રાહત માટે વાપરીએ છીએ તેની ગંભીર આડઅસર પણ હોઈ શકે છે.

આ અભ્યાસમાં મુખ્યત્વે JAK ઇનહિબિટર્સ નામની દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ રૂમેટોઇડ આર્થ્રાઇટિસ અને ઓટોઇમ્યુન ડિસીઝ જેવી સમસ્યાઓમાં થાય છે. સંશોધનના મુખ્ય પ્રોફેસર ડેનિસ કેઇનોવના જણાવ્યા અનુસાર, આ દવાઓ શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને શાંત કરે છે, પરંતુ ક્યારેક આ અસર ખૂબ આગળ વધી જાય છે. આ દવાઓ કોવિડ-19 એટલે કે SARS-CoV-2, ઇન્ફ્લુએન્ઝા A, એડિનોવાયરસ અને રિફ વેલી ફીવર જેવા ખતરનાક વાયરસને શરીરમાં ફેલાવવામાં મદદ કરે છે. પીએચડી રિસર્ચ ફેલો એર્લેન્ડ રાવલોએ સમજાવ્યું કે આ દવાઓ તે સિગ્નલિંગ પાથવેને દબાવી દે છે જે સ્વસ્થ કોષોને વાયરસના હુમલાથી બચાવવામાં મદદ કરે છે.

બારિસિટીનીબ જેવી દવાઓ વાયરસ સામે પ્રતિક્રિયા આપતા જિન્સની એક્ટિવિટીને અટકાવે છે, જેના કારણે ફેફસાં, આંખો અને મગજના કોષો પર વાયરસ ઝડપથી હુમલો કરે છે. જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર લેબોરેટરી રિસર્ચ છે અને દર્દીઓએ ડૉક્ટરની સલાહ વગર પોતાની મેળે દવાઓ બંધ ન કરવી જોઈએ. સંશોધકોએ ભલામણ કરી છે કે વાયરલ આઉટબ્રેક કે મહામારી દરમિયાન હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ડૉક્ટરોએ આ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ જેથી દર્દીઓને જોખમથી બચાવી શકાય.

LATEST ARTICLES