અમેરિકાના મિનેસોટામાં આવેલા પ્રેરી લેક ની માલિકી અને રસ્તાને લઈને છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલો કાનૂની વિવાદ હવે એક નવા મોડ પર આવી ગયો છે. સોમવારે મિનેસોટા કોર્ટ ઓફ અપિલ્સ દ્વારા બ્લેકવુડ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્રસ્ટની પ્રોપર્ટી સીધી આ લેક સુધી પહોંચે છે. આ નિર્ણય પાડોશીઓ વિકી જો ઉલ્વેસ્ટેડ અને લોરેન્સ ક્રેગ હેમન્ડ્સ માટે મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે અગાઉ તેમને ગેરકાયદે પ્રવેશ બદલ ટ્રસ્ટ પાસેથી 148,500 ડૉલર મેળવવાનો હક મળ્યો હતો, જે હવે કોર્ટે રદ કરી દીધો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત બે પ્રોપર્ટી વચ્ચેની હદ ક્યાં પૂરી થાય છે તેને લઈને થઈ હતી. ઉલ્વેસ્ટેડ અને હેમન્ડ્સ પાસે લોટ 3 નામનો ટુકડો છે, જ્યારે બ્લેકવુડ ટ્રસ્ટ પાસે બાજુના લોટ 4 અને લોટ 5 છે. શરૂઆતમાં 1997ના સર્વેમાં લોટ 4 લેક સુધી ન જતો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ 2010માં તે જ સર્વેયરે નવો સર્વે કરીને લોટ 4 ને લેક સુધી સીધી એક્સેસ હોવાનું જણાવ્યું હતું. આ નવા સર્વે બાદ ટ્રસ્ટે પોતાની પ્રોપર્ટી પર કેબિન બનાવી અને ત્યાં રસ્તો તથા વૃક્ષો હટાવ્યા હતા. જેનાથી વિવાદ વધી જતાં પાડોશીઓએ 2017માં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ટ્રસ્ટ પર દબાણ તથા ગેરકાયદે પ્રવેશનો આરોપ લગાવ્યો હતો. શરૂઆતમાં નીચલી કોર્ટે પાડોશીઓની તરફેણમાં ચુકાદો આપીને ટ્રસ્ટ પર મોટો દંડ ફટકાર્યો હતો.
આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ડિસેમ્બર 2024માં અપિલ્સ કોર્ટે 1870ના જૂના સરકારી નકશા અને હિસ્ટોરિક પુરાવાઓને યોગ્ય રીતે ધ્યાનમાં લેવા આદેશ કર્યો. આ જૂના નકશા અને 2025ના નવા સર્વેના આધારે કોર્ટે સ્વીકાર્યું કે બ્લેકવુડ ટ્રસ્ટની જમીન સીધી લેક સુધી પહોંચે છે. પાડોશીઓએ નવા સર્વે સામે ફરીથી અપીલ કરી હતી અને જુના સર્વેમાં વિસંગતતા હોવાના મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ કોર્ટે તેમની દલીલો ફગાવી દીધી હતી. આ અંતિમ ચુકાદાથી પાડોશીઓના ટ્રેસપાસના દાવાઓ ફગાવી દેવાયા છે અને ટ્રસ્ટને રાહત મળી છે.
