એશિયન પેરા ગેમ્સમાં દેશનું નામ રોશન કરનાર ગોલ્ડ મેડલ વિજેતા એથ્લીટ નીરજ યાદવના રહસ્યમય મૃત્યુ કેસમાં હવે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હીના મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે પોતાની કાર નજીકથી નીરજ યાદવનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ એક મહિલા મિત્ર તેને હોસ્પિટલ લઈને પહોંચી હતી, જ્યાં ડોક્ટર્સની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે દરેક કડીને ગંભીરતાથી લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન નીરજને હોસ્પિટલ પહોંચાડનાર મહિલા મિત્રે કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. તેના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2025માં નીરજ સાથે તેની દોસ્તી થઈ હતી અને 27મી ઑક્ટોબરના તે હરિયાણાના સોનીપતમાં તેને મળવા પણ ગઈ હતી. મહિલાએ નીરજને સ્પષ્ટ કહી દીધું હતું કે હવે પછી તે તેની સાથે સંપર્કમાં રહી શકશે નહીં. આ વાતને લઈને બંને વચ્ચે તણાવ હોવાનું પણ સામે આવ્યું છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે રાત્રે આશરે 9 વાગ્યે આશંકા જતા મૌજપુર મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પહોંચી હતી, જ્યાં નીરજ નીચે મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.
આ કેસમાં હવે લવ એંગલ સામે આવ્યા બાદ દિલ્હી પોલીસ પરિવારજનો, મિત્રો અને આ મહિલાની સઘન પૂછપરછ કરી રહી છે. નીરજના મૃત્યુ પાછળનું અસલી કારણ હજુ સુધી પોસ્ટમોર્ટમ કે રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ પોલીસ મૌજપુર વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ રેકોર્ડ્સ ચકાસી રહી છે જેથી ઘટનાની વાસ્તવિક હકીકત બહાર આવી શકે.
