JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વિદેશ જવા ઈચ્છતા લોકો ચેતજો, અમદાવાદમાં કેનેડા જવા માગતી બે મહિલાઓને એજન્ટોએ ફેક વિઝા સ્ટેમ્પ અને નકલી ટિકિટ પકડાવી, રૂ.1.05 કરોડ પડાવ્યા

Oct 29, 2026 | 14:05 | By JAMNAGAR MIRROR
વિદેશ જવા ઈચ્છતા લોકો ચેતજો, અમદાવાદમાં કેનેડા જવા માગતી બે મહિલાઓને એજન્ટોએ ફેક વિઝા સ્ટેમ્પ અને નકલી ટિકિટ પકડાવી, રૂ.1.05 કરોડ પડાવ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે અમદાવાદમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રતિત પટેલ, ચિંતન પટેલ અને રમનદીપસિંગ નામના ત્રણ એજન્ટોએ બે મહિલાઓ પાસેથી રૂ.1.05 કરોડ પડાવીને બોગસ વિઝા અને ટિકિટ આપી હતી તેમજ બેંક ખાતાઓનો દુરુપયોગ કરી કરોડોના શંકાસ્પદ વ્યવહારો કર્યા હતા.

વિદેશ જવાની ઘેલછામાં લોકો કેવી રીતે ઠગરોના શિકાર બની જતા હોય છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને પ્રતિત પટેલ, ચિંતન પટેલ અને રમનદીપસિંગ નામના ત્રણ એજન્ટોએ બે મહિલાઓ પાસેથી કુલ રૂ.1,05,24,582 જેટલી માતબર રકમ પડાવી લીધી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જુલાઈ 2025માં આ ત્રણેય એજન્ટોના સંપર્કમાં આવેલી હેતલબેન અને નિકિતાબેન નામની મહિલાઓને વિઝા મેળવવાનું સપનું ભારે પડી ગયું હતું, કારણ કે વિશ્વાસ કેળવવાના નામે આ ઠગબાજોએ તેમને માત્ર બોગસ દસ્તાવેજો જ પકડાવ્યા નહોતા પરંતુ તેમની સાથે મોટું આર્થિક હાઈજૈક પણ કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી એજન્ટોએ હેતલબેન પાસેથી રૂ.55,25,000 અને નિકિતાબેન પાસેથી રૂ.49,99,582 મેળવી લીધા બાદ ઠગાઈ આચરવા માટે તેમના પાસપોર્ટ પર ફેક વિઝા સ્ટેમ્પ લગાવી આપ્યા હતા, ખોટો એલએમઆઈએ લેટર તૈયાર કર્યો હતો અને પીએનઆર નંબર વગરની કેનેડાની નકલી એર ટિકિટ પણ આપી દીધી હતી. એટલું જ નહીં, કેનેડિયન વિઝાના નિયમોનું બહાનું ધરીને આરોપીઓએ બંને મહિલાઓના નામે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની બેંક શાખામાં એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. આ બેંક એકાઉન્ટ્સની તમામ કિટ, પાસબુક અને નેટ બેંકિંગનો વહીવટ પોતાની પાસે રાખીને આ ઠગાઈ કરનારાઓએ હેતલબેનના ખાતામાં આશરે રૂ.80,00,000 અને નિકિતાબેનના ખાતામાં આશરે રૂ.1,73,78,466 ના શંકાસ્પદ અને ગેરકાયદે આર્થિક વ્યવહારો કરીને ખાતાઓનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો હતો.

જ્યારે પીડિત મહિલાઓને શંકા જતાં તેમણે પોતાના ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અને સાચા વિઝાની માંગણી કરી, ત્યારે આ ચાલાક એજન્ટોએ પોતાના ફોન બંધ કરી દીધા હતા અને તમામ નંબર બ્લોક કરી દીધા હતા. એટલું જ નહીં, જો તેઓ પૈસા કે ડોક્યુમેન્ટ માંગશે તો તેમની સામે જ પોલીસ કેસ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેનાથી કંટાળીને આખરે મહિલાઓએ પોલીસનો સહારો લેવો પડ્યો હતો. હાલ તો પોલીસે વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવવા, બોગસ દસ્તાવેજો બનાવવા તેમજ બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી ગેરકાયદે વ્યવહારો કરવા બદલ પ્રતિત પટેલ, ચિંતન પટેલ અને રમનદીપસિંગ સામે ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

LATEST ARTICLES