વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જેની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતેથી થશે. અહીં દેશમાં પ્રથમવાર ગ્રામીણ પરંપરાને માન આપીને ખેડૂતો સાથે અનોખી ખાટલા સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સભામાં આવનાર ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ખાટલાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે યોજાનારી આ સભાને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો રૂ. 18,680 કરોડથી વધુનો 24મો હપ્તો સિંગલ ક્લિકથી ટ્રાન્સફર કરશે. આ પ્રસંગે એકલા ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1000 કરોડથી વધુની સહાય અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ભીલડી ખાતે વડાપ્રધાન બનાસ ડેરીના પાંચ મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 127 એકર જમીનમાં રૂપિયા 325 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-બીબીબીઆરસીનું ભવ્ય લોકાર્પણ પણ સામેલ છે. સાથે જ પોટેટો એક્સપાન્શન, યુએચટી-એએસઆરએસ પ્રકલ્પ અને થરાદ તથા રાધનપુર ખાતે નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ સંપન્ન થશે.
આ ઐતિહાસિક કાર્યક્રમના જીવંત પ્રસારણ માટે સમગ્ર ગુજરાતમાં 34 જિલ્લા કક્ષાના અને 2100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જ્યાં મંત્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં સહાયપત્રોનું વિતરણ થશે. ભીલડીના કાર્યક્રમો બાદ પીએમ મોદી 30 ઓક્ટોબરે સાંજે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભારત પર્વ પેવેલિયનની મુલાકાત લઈ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાનું આનંદમઠ નાટક નિહાળશે. ત્યારબાદ 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આરંભ 2026 કાર્યક્રમમાં તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ સાધશે અને પરેડની સલામી ઝીલશે.
