JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકાના નોર્થ કેરોલિનામાં પૂર સામે રક્ષણ આપવા 27 એકર વેટલેન્ડ તૈયાર કરાયા

Oct 29, 2026 | 12:55 | By JAMNAGAR MIRROR
અમેરિકાના નોર્થ કેરોલિનામાં પૂર સામે રક્ષણ આપવા 27 એકર વેટલેન્ડ તૈયાર કરાયા
હેન્ડરસનવિલે શહેરે લોઅર મડ ક્રીક ફ્લડપ્લેન પ્રોજેક્ટનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂરો કર્યો છે. આ પ્રોજેક્ટથી 60 મિલિયન ડોલરની કિંમતના 93 જેટલા પ્રોપર્ટીઝને પૂરના જોખમ સામે મોટો બચાવ મળશે અને કુદરતી સૌંદર્ય પણ વધશે.

અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં આવેલા હેન્ડરસનવિલે શહેરે પૂરના જોખમ સામે પહોંચી વળવા માટે એક શાનદાર પ્રોજેક્ટનું કામ પૂરું કરી દીધું છે. લોઅર મડ ક્રીક ફ્લડપ્લેન રિસ્ટોરેશન પ્રોજેક્ટના પહેલા તબક્કા હેઠળશહેરે આશરે 27 એકર વિસ્તારને ફરીથી વેટલેન્ડ, સ્ટ્રીમ્સ અને સુંદર પબ્લિક ગ્રીન સ્પેસમાં પરિવર્તિત કરી દીધો છે. ખાસ વાત એ છે કે આ જમીન શહેર દ્વારા 2002માં જ ખરીદી લેવામાં આવી હતી, પરંતુ વર્ષોની મહેનત, પ્લાનિંગ અને પર્યાવરણીય એસેસમેન્ટ બાદ હવે આ પ્રોજેક્ટ વાસ્તવિક રૂપ લઈ ચૂક્યો છે. આ વિસ્તારમાં 30 ઓક્ટોબરે રિબન-કટિંગ સેરેમની યોજીને આ પ્રોજેક્ટને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવશે.

આ મહત્ત્વના પ્રોજેક્ટમાં આશરે 2300 ફૂટ લંબાઈના ટ્રિબ્યુટરી સ્ટ્રીમ અને 1500 ફૂટ લંબાઈના ચેનલનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે, સાથે જ 8.5 એકર વેટલેન્ડ અને 9.2 એકર રિપેેરિયન ફ્લડપ્લેનને પણ વિકસાવવામાં આવ્યા છે. આ તમામ કામો પાછળનો મુખ્ય હેતુ ભારે વરસાદ વખતે વહેતા પાણીને કુદરતી રીતે ફેલાવા માટે પૂરતી જગ્યા મળી રહે તે છે. શહેરના જણાવ્યા અનુસાર આ નવા પ્રોજેક્ટથી અંદાજે 93 આસપાસની પ્રોપર્ટીઝને પૂરના જોખમથી રાહત મળશે, જેની કુલ કિંમત આશરે 60 મિલિયન ડોલર જેટલી થાય છે. આ સિવાય પ્રોજેક્ટમાં પેડેસ્ટ્રિયન બ્રિજ, 2500 ફૂટ લાંબો ગ્રીનવે અને નેચરલ ટ્રેલ પણ બનાવવામાં આવ્યા છે જેથી સામાન્ય લોકો આ સુંદર જગ્યાની મુલાકાત લઈ શકે.

આ આખા અભિયાનને સફળ બનાવવા માટે નોર્થ કેરોલિના લેન્ડ એન્ડ વોટર ફંડ અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિવિઝન તરફથી 2023ના વસંત ગાળામાં ગ્રાન્ટ ફંડ મળી હતી. આ પ્રોજેક્ટમાં વાઇલ્ડલેન્ડ્સ એન્જિનિયરિંગ અને શામરોક ઇન્વાયર્નમેન્ટલ જેવી કંપનીઓએ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનની જવાબદારી સંભાળી હતી. અધિકારીઓના મતે આ પ્રોજેક્ટથી માત્ર પૂરનું જોખમ જ નહીં ઘટે, પરંતુ પાણીની ગુણવત્તા સુધરશે અને વન્યજીવો માટે પણ સારો કુદરતી માહોલ તૈયાર થશે. જોકે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આનાથી પૂરનું જોખમ ઘણો ખરો ઓછો થશે, પરંતુ ગંભીર પ્રકારની કુદરતી આફતો વખતે સાવચેતી રાખવી જરૂરી રહેશે.

LATEST ARTICLES