દર મહિને 10થી 15 તારીખની આસપાસ વીજળી કંપનીનો મેસેજ મોબાઇલમાં આવતા જ લોકોની ચિંતા વધી જાય છે. ન તો એસી ચાલુ કર્યો હોય કે ન તો કુલર ચલાવ્યું હોય, છતાં વીજળીનું બિલ અચાનક એકથી દોઢ હજાર રૂપિયા વધી જાય ત્યારે ઘરના મોભીથી લઈને ગૃહિણી સુધી બધાના માથું ચકરાઈ જાય છે. વીજળી બચાવવા માટે ઘરમાં પંખો, લાઈટ કે મોબાઇલ ચાર્જર જેવી નાની નાની બાબતો પર તો સતત નજર રાખવામાં આવે છે અને રોજેરોજ બોલાચાલી પણ થાય છે, પરંતુ ક્યારેય કોઈનું ધ્યાન રસોડામાં સતત ચાલુ રહેતા ફ્રિજ પર જતું નથી. આજકાલ ઘણાં ઘરોમાં ફ્રીઝર ખોલતાં જ અંદર એન્ટાર્કટિકા કે કાશ્મીર જેવા બરફના પહાડ જેવું દૃશ્ય જોવા મળે છે, જ્યાં આઇસક્રીમની ટ્રે અને પાણીનાં વાસણો પણ બરફના જાડા થર નીચે દબાઈ ગયેલાં હોય છે.
ઘણા લોકોને ફ્રીઝરમાં આટલો બધો બરફ જમા થયો હોય તો પણ ખાસ ચિંતા થતી નથી અને અઠવાડિયાં કે બે-બે મહિના સુધી ફ્રિજને ડિફ્રોસ્ટ કરવાની તસ્દી લેતા નથી. ફ્રીઝરની કૂલિંગ કોઇલ્સ પર 2થી 5 મિલીમીટર કરતાં વધુ જાડો બરફનો થર જમા થાય ત્યારે ઠંડીની આપ-લેની પ્રક્રિયા પર સીધી અસર પડે છે. આ બરફનો જાડો થર ઠંડી પહોંચાડવાની કાર્યક્ષમતામાં મોટો અવરોધ ઊભો કરે છે, જેના કારણે ફ્રિજની કૂલિંગ સિસ્ટમને જરૂરી તાપમાન જાળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. ખાસ કરીને જૂના અથવા મેન્યુઅલ ડિફ્રોસ્ટવાળા ફ્રિજમાં બરફનો આ થર કોમ્પ્રેસરને લાંબા સમય સુધી ચાલુ રાખે છે, કારણ કે ફ્રિજનું કોમ્પ્રેસર સામાન્ય રીતે જરૂરિયાત મુજબ ચાલુ અને બંધ થતું હોય છે પરંતુ બરફના કારણે તેને વધુ સમય સુધી કામ કરવું પડે છે અને વીજળીનો વપરાશ આપમેળે વધી જાય છે.
જ્યારે ફ્રિજની કૂલિંગ કાર્યક્ષમતા ઘટે અને કોમ્પ્રેસર લાંબો સમય ચાલે ત્યારે વીજળીના બિલમાં મોટો તફાવત જોવા મળે છે, જોકે આ વધારો ફ્રિજના મોડેલ, તેની ક્ષમતા, ઉંમર અને બરફના થરની જાડાઈ પર આધાર રાખે છે. જો કોઈ ફ્રિજમાં વધારાના 15થી 30 યુનિટ વીજળીનો વપરાશ થાય અને વીજળીનો દર પ્રતિ યુનિટ ₹8થી ₹10 હોય, તો ગણતરી પ્રમાણે દર મહિને ₹120થી ₹300 સુધીનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી શકે છે, જોકે આ માત્ર એક અંદાજિત ગણતરી છે. તેથી જો તમે પણ તમારા ફ્રિજમાં જામેલા બરફને સામાન્ય ગણીને નજરઅંદાજ કરતા હોવ, તો આજથી જ સાવચેત થઈ જાવ અને સમયાંતરે ફ્રિજને ડિફ્રોસ્ટ કરીને વીજળી અને પૈસા બંનેની બચત કરો.
