જામનગરમાં કાગળ પર રહેલી દારૂબંધીની પોલ વધુ એક વખત ખુલ્લી પડી ગઈ છે, જ્યારે ખુદ સત્તાધારી પક્ષના નેતાના પરિવાર સાથે જોડાયેલું નામ સામે આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુ બાંભણિયાના પુત્ર હિતેશ બાંભણિયાના ગોડાઉન પર પોલીસે અચાનક રેડ પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા આ શંકાસ્પદ ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે આ ધડાકાભેર કાર્યવાહી કરી હતી.
પોલીસની આ સઘન તપાસ દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 40.68 લાખ રૂપિયાની કિંમતની 19,000થી વધુ દારૂની બોટલો મળી આવી હતી, જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. દારૂના આ જંગી જથ્થા ઉપરાંત પોલીસે સ્થળ પરથી વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 53.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે હાલ તો એક શખ્સની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે, પરંતુ ગોડાઉનના માલિક હિતેશ બાંભણિયા સહિત કુલ 9 આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પંચકોશી એ ડિવિઝન પોલીસ દ્વારા હવે આ મામલે સઘન ચક્રો ગતિમાન કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષના કોર્પોરેટરના પુત્રનું નામ આટલા મોટા ક્રાઈમમાં સામે આવતા રાજકીય બેડામાં પણ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે અને દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આગામી સમયમાં પોલીસ આ નેટવર્ક પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
