JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

બેંગલુરુ જવાની હતી ને લંડન પહોંચી ગઈ યુવતી, બ્રિટિશ એરવેઝ પર ફટકાર્યો 1.6 લાખનો દંડ

Oct 29, 2026 | 12:40 | By JAMNAGAR MIRROR
બેંગલુરુ જવાની હતી ને લંડન પહોંચી ગઈ યુવતી, બ્રિટિશ એરવેઝ પર ફટકાર્યો 1.6 લાખનો દંડ
કેનેડાથી બેંગલુરુની ફ્લાઈટ કેન્સલ થતાં લંડન એરપોર્ટ પર યુવતી ફસાઈ ગઈ હતી. બ્રિટિશ એરવેઝે બોર્ડિંગ પાસ ન આપતા યુવતી પાસે UK વીઝા પણ નહોતા અને આ મામલે કન્ઝ્યુમર કોર્ટે એરલાઈનને ભારે દંડ ફટકાર્યો છે.

કેનેડાની યુનિવર્સિટી ઓફ સાસ્કાચવાનમાં ન્યુરોબાયોલોજીમાં પીએચડી કરતી ભદ્રપ્રિયા નામની વિદ્યાર્થીએ 17 જાન્યુઆરી, 2024ના રોજ EaseMyTrip મારફતે કેનેડાથી બેંગલુરુની રાઉન્ડ-ટ્રીપ ટિકિટ Rs 1,38,945માં બુક કરાવી હતી. તેણીની મુસાફરી 1 ઓગસ્ટના રોજ શરૂ થવાની હતી, પરંતુ જ્યારે તે સાસ્કાચવાન એરપોર્ટ પહોંચી ત્યારે તેને જાણ થઈ કે તેની ફ્લાઈટ અગાઉથી જાણ કર્યા વિના કેન્સલ થઈ ગઈ છે. એરલાઈને તેને કેલગરી અને લંડન થઈને બેંગલુરુ પહોંચવાનો વિકલ્પ આપ્યો અને જણાવ્યું કે કનેક્ટિંગ ફ્લાઈટનો બોર્ડિંગ પાસ લંડનના હીથ્રો એરપોર્ટ પરથી મળી જશે. પરંતુ જ્યારે તે લંડન પહોંચી ત્યારે બ્રિટિશ એરવેઝે બોર્ડિંગ પાસ આપવાનો ઇનકાર કરી દીધો અને યુવતી UK વીઝા વગર એરપોર્ટ પર જ અટવાઈ ગઈ હતી.

બ્રિટિશ એરવેઝના આ વર્તનને કારણે યુવતીને ખાવા-પીવા, રહેવા અને લગેજની ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે UK વીઝા ન હોવાથી તે લગેજ પણ મેળવી શકી ન હતી. આ મુશ્કેલીમાંથી બહાર આવવા તેણે કેનેડામાં રહેતી પોતાની રૂમમેટ પાસેથી ફાઈનાન્શિયલ મદદ માંગીને Rs 1,65,926 ખર્ચીને એતિહાદ એરવેઝની બીજી ફ્લાઈટ દ્વારા 4 ઓગસ્ટના રોજ બેંગલુરુ પહોંચવું પડ્યું હતું. આ મામલે એરલાઈને દાવો કર્યો હતો કે યુવતી નો-શો હતી અને ફ્લાઈટમાં સમયસર હાજર રહી નહોતી. જો કે, બેંગલુરુની 1st અને રૂરલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને નોંધી કે એરલાઈન પાસે આ દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા નહોતા.

કમિશને EaseMyTrip અને વેસ્ટજેટને દોષમુક્ત જાહેર કર્યા હતા, પરંતુ મુસાફરને અધવચ્ચે અસહાય છોડી દેવા બદલ બ્રિટિશ એરવેઝને સેવામાં ખામી માટે જવાબદાર ગણાવી હતી. એરલાઈને માફી માંગીને 50 પાઉન્ડનું ઇલેક્ટ્રોનિક વાઉચર ઓફર કર્યું હતું, જેને યુવતીના પિતાએ ફગાવી દીધું હતું. ત્યારબાદ કમિશને 8 ઓગસ્ટ, 2026ના રોજ આપેલા આદેશમાં બ્રિટિશ એરવેઝને ટિકિટના પૂરા પૈસા Rs 1,38,945 રિફંડ આપવા, માનસિક ત્રાસ માટે Rs 25,000 વળતર અને Rs 2,000 લીગલ ખર્ચ સહિત કુલ Rs 1,65,945 ચૂકવવાનો આદેશ કર્યો છે. એરલાઈને આ રકમ આદેશના 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે.

LATEST ARTICLES