તમિલનાડુના એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર વી કે રાજીવ દ્વારા નોયલ નદીમાં જામતા જાડા ફીણ પાછળ ઘરોમાં વપરાતા સાબુ અને શેમ્પૂને જવાબદાર ઠેરવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. તિરૂપૂરની મુલાકાત દરમિયાન મંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે ઘરોના ગ્રેવોટરમાં રહેલા ડિટર્જન્ટ અને હાઇ ફોસ્ફરસવાળા પ્રોડક્ટ્સ નદીના પાણી સાથે ભળવાથી ફીણ ઉત્પન્ન થાય છે. આ નિવેદન સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ મંત્રીની મજાક ઉડાવી હતી અને વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર પ્રદૂષણ નિયંત્રણમાં નિષ્ફળ ગયા હોવાનો અને જવાબદારીમાંથી ભાગી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
મંત્રીના આ દાવા સામે પૂર્વ AIADMK મંત્રી સેલ્લુર કે રાજુએ કટાક્ષ કરતા કહ્યું કે આ એક અજીબોગરીબ શોધ છે અને આના માટે નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. સાથે જ તેમણે પોતાના ભૂતકાળના થર્મોકોલ કિસ્સાને યાદ કરીને સવાલ કર્યો કે પર્યાવરણ મંત્રીના આવા અતાર્કિક નિવેદનો સામે પૂરતી તપાસ કેમ નથી થતી. બીજી તરફ AMMK જનરલ સેક્રેટરી ટી ટી વી દિનાકરને સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા જણાવ્યું કે ગંભીર નદી પ્રદૂષણ માટે સામાન્ય જનતા પર દોષનો ટોપલો ઢોળવો એ સરકારની બેજવાબદારી દર્શાવે છે. PMK પ્રેસિડેન્ટ અંબુમણિ રામદોસ્સે પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યના એન્વાયર્નમેન્ટ મિનિસ્ટર આવી બેજવાબદાર વાત કરે તે ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આ ફીણ કોઇમ્બતુર, તિરૂપૂર અને કરુરના ટેક્સટાઇલ્સ ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ વેસ્ટના કારણે થાય છે તે જગજાહેર છે.
ચારેય તરફથી ઘેરાયા બાદ મંત્રી વી કે રાજીવે પોતાના બચાવમાં તર્ક આપ્યો કે ચીફ મિનિસ્ટર સી જોસેફ વિજયે તેમની મેડિકલ બેકગ્રાઉન્ડને કારણે જ તેમને આ પદ સોંપ્યું છે. તેમણે દાવો કર્યો કે તાજેતરના વોટર સ્ટડીઝ અને રિપોર્ટ્સ મુજબ આ પ્રદૂષણ માટે ઇન્ડસ્ટ્રિયલ એફ્લુઅન્ટ્સ નહીં પરંતુ સાબુમાં રહેલું ફોસ્ફરસ જ મુખ્ય કારણ છે. જોકે, વિપક્ષોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ઇન્ડસ્ટ્રિયલ પ્રદૂષણને છુપાવવાની આ કોશિશોથી ઇકોલોજીને વધુ નુકસાન થશે, તેથી સરકારે કડક રેગ્યુલેશન અને સીવેજ ટ્રીટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ.
