JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરતમાં મંત્રીની હાજરીમાં નકલી ડોક્ટરનું સન્માન થતા વિવાદ, 57 આયુર્વેદિક તબીબોએ નોંધાવ્યો વિરોધ

Oct 29, 2026 | 12:30 | By JAMNAGAR MIRROR
સુરતમાં મંત્રીની હાજરીમાં નકલી ડોક્ટરનું સન્માન થતા વિવાદ, 57 આયુર્વેદિક તબીબોએ નોંધાવ્યો વિરોધ
સુરતમાં આયોજિત વંદે આયુકોન-3 કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ભૂતકાળમાં ઝડપાયેલા બોગસ ડોક્ટરને એવોર્ડ અપાતા હોબાળો મચ્યો છે. વિવાદ વકરતા બીજા જ દિવસે એવોર્ડ પરત લેવામાં આવ્યો છે અને આયોજકો સામે સવાલો ઉભા થયા છે.

ગુજરાતમાં એક તરફ ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો સામે સરકાર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે, તો બીજી તરફ સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરમાં હાલમાં જ વંદે આયુકોન-3 નામનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીની હાજરીમાં જ એક વ્યક્તિને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ સન્માન મળતાની સાથે જ સોશિયલ મીડિયા અને તબીબી આલમમાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે, કારણ કે જે વ્યક્તિને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અપાયો હતો તેનું ભૂતકાળ શંકાસ્પદ અને ગુનાહિત હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, જે વ્યક્તિને આ એવોર્ડ એનાયત થયો હતો તેની અગાઉ નવસારી એસઓજી પોલીસ દ્વારા નકલી ડોક્ટર તરીકે ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત તેની ગંભીર બેદરકારી સામે આવતા અગાઉ તેની મેડિકલ ડિગ્રી પણ પરત ખેંચી લેવામાં આવી હતી. આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને મંત્રીના હસ્તે એવોર્ડ અપાતા આયુર્વેદિક તબીબી ક્ષેત્રમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ ઘટના સામે આવતા જ રાજ્યભરના 57થી વધુ માન્યતાપ્રાપ્ત આયુર્વેદિક તબીબો એકસૂરે મેદાને આવ્યા છે અને તેમણે આ મામલે સખત વિરોધ નોંધાવ્યો છે. નારાજ તબીબો દ્વારા આ ગંભીર મામલે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન સમક્ષ લેખિતમાં સત્તાવાર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

સાચા અને નિષ્ઠાવાન ડોક્ટરોની છબી ખરડાઈ રહી હોવાના આક્ષેપ સાથે વિવાદ ખૂબ જ વકરી ગયો હતો. મામલો ગંભીર બનતા સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે તાત્કાલિક સ્પષ્ટતા આપવી પડી હતી કે તેઓ આ વ્યક્તિના ભૂતકાળથી બિલકુલ અજાણ હતા અને જોઈન્ટ વેન્ચર કાર્યક્રમ હોવાથી પસંદગીમાં ચકાસણીની ચૂક રહી ગઈ હતી. ડૉ.જીગ્નેશના આગ્રહને કારણે આ સહકાર અપાયો હોવાનું સામે આવ્યું છે. જોકે, વિવાદ વધ્યા બાદ ઘટનાના બીજા જ દિવસે તે એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને આયોજક ડૉ.જીગ્નેશ સાથે બેઠક યોજીને ચર્ચા પણ કરવામાં આવી હતી, પરંતુ આ ઘટના હાલ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

LATEST ARTICLES