વેસ્ટ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશને બેંક ઓફ બરોડાને ગ્રાહક સાથે સર્વિસમાં બેદરકારી દાખવવા બદલ દોષી ગણાવી છે. ગ્રાહકના બેંક આઉટમાંથી તેની મંજૂરી વગર રૂપિયા 38,649ના અનધિકૃત ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા અને બેંક આ મામલે ગ્રાહકનો વાંક સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. આ મામલે કમિશને 21 ઓક્ટોબર, 2026ના રોજ આપેલા આદેશમાં બેંકને વિવાદિત રકમ રિફંડ કરવાની સાથે વધારાના રૂપિયા 15,000નું કમ્પેન્સેશન ચૂકવવાનો હુકમ કર્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું કે બેંક પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને ગ્રાહકના ખાતાની સુરક્ષાની મુખ્ય જવાબદારી બેંકની જ રહે છે.
આ સમગ્ર મામલાની વિગત મુજબ વેસ્ટ દિલ્હીના શિવ વિહારમાં રહેતા અરુણ કુમારે બેંક ઓફ બરોડાની વિકાસ પુરી બ્રાન્ચમાં પોતાનું બેંક આઉટ ધરાવતા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે 15 જુલાઈ, 2019ના રોજ તેમની કોઈ પણ સહમતિ વગર ખાતામાંથી ચાર વખત ગેરકાયદેસર ઉપાડ કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન પેટીએમ દ્વારા થયા હતા જેમાં રૂપિયા 9,999, રૂપિયા 10,690, રૂપિયા 11,680 અને રૂપિયા 6,280 એમ કુલ રૂપિયા 38,649 ઉપડી ગયા હતા અને ગ્રાહકને મોબાઈલ પર કોઈ OTP કે SMS એલર્ટ પણ મળ્યો ન હતો. આ બનાવની જાણ થતાં જ અરુણ કુમારે બીજા જ દિવસે એટલે કે 16 જુલાઈ, 2019ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પેટીએમનો સંપર્ક કરીને વોલેટ ફ્રીઝ કરાવ્યું હતું, પરંતુ બેંક તરફથી કોઈ સંતોષકારક મદદ ન મળતા તેમણે સપ્ટેમ્બર 2020માં કન્ઝ્યુમર કમિશનના દરવાજા ખખડાવ્યા હતા. કમિશને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે બેંકે આ મામલે કોઈ તપાસ કરી નહોતી અને નાણાં કયા ખાતામાં જમા થયા તેની કોઈ વિગતો પણ રજૂ કરી શકી નહોતી.
આ કેસમાં આરબીઆઈના 6 જુલાઈ, 2017ના સર્ક્યુલરને આધાર બનાવવામાં આવ્યો હતો, જે મુજબ જો ગ્રાહક સમયસર અનધિકૃત ટ્રાન્ઝેક્શનની જાણ કરે તો તેની ઝીરો લાયબિલિટી હોઈ શકે છે અને ગ્રાહકનો દોષ સાબિત કરવાની જવાબદારી બેંકની પોતાની રહે છે. બેંક કમિશન સમક્ષ હાજર રહી ન હતી જ્યારે પેટીએમે સ્પષ્ટ કર્યું હતું કે નાણાં સીધા બેંક સિસ્ટમ દ્વારા ડેબિટ થયા હોવાથી પેટીએમની કોઈ જવાબદારી નથી, જેને કમિશને માન્ય રાખી પેટીએમને મુક્ત કર્યું હતું. કમિશને બેંક ઓફ બરોડાને આદેશ આપ્યો છે કે ઓર્ડરની નકલ મળ્યાના 30 દિવસની અંદર ગ્રાહકને રૂપિયા 38,649 પાછા આપવા પડશે અને રૂપિયા 15,000નું કમ્પેન્સેશન પણ ચૂકવવું પડશે.
