ટેક અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દુનિયાના ક્યા દેશો સૌથી આગળ છે તેને લઈને દુનિયાભરમાં ચર્ચા થતી રહે છે, ત્યારે હવે આ મુદ્દે એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રખ્યાત ટેક કંપની Nvidiaના સીઈઓ જેન્સન હુઆંગે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથેની ચર્ચા દરમિયાન દુનિયાના એવા 3 દેશોના નામ લીધા છે જે ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગમાં હાલ ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે છેલ્લા 50 વર્ષમાં કમ્પ્યુટિંગ અને ડિજિટલ ટેકનોલોજીની ક્રાંતિને કારણે અમેરિકાએ તેનું હેવી મેન્યુફેક્ચરિંગ અને ક્રાફ્ટ ચીન તરફ શિફ્ટ કર્યું છે, જેના કારણે આજની સ્થિતિમાં જર્મની, જાપાન અને ચીન દુનિયા પર રાજ કરી રહ્યા છે.
આ ચર્ચા દરમિયાન જેન્સન હુઆંગે જણાવ્યું કે ચીનને સૌથી મોટો ફાયદો તેના ટાઇમિંગનો મળ્યો છે. ચીનનું આર્થિક પરિવર્તન બરાબર એ જ સમયે થયું જ્યારે કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીનો ઉદય થઈ રહ્યો હતો. આ કારણોસર ચીનનો મેન્યુફેક્ચરિંગ બેઝ શરૂઆતથી જ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો રહ્યો છે અને તે ઘણો કમ્પ્યુટરાઇઝ્ડ બન્યો છે. આજે ચીન દુનિયાનો કદાચ એકમાત્ર એવો દેશ છે જે ડીપ મેન્યુફેક્ચરિંગ અને ડીપ કમ્પ્યુટર સાયન્સ બંનેમાં સમાન રીતે સક્ષમ છે અને આ બંને ક્ષેત્રોમાં તે ખૂબ જ કમ્ફર્ટેબલ સ્થિતિમાં છે.
બર્લિનમાં યોજાયેલી કોન્ફરન્સ દરમિયાન વાતચીતમાં હુઆંગે સ્વીકાર્યું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા એક્સપોર્ટ કર્બ્સ અને ટ્રેડ રેસ્ટ્રિક્શન્સે ચીનને પોતાની ડોમેસ્ટિક ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા માટે મજબૂર કર્યું છે. યુએસના નિયમો અનુસાર હાઈ-એન્ડ AI GPU જેવા એડવાન્સ્ડ પ્રોસેસર્સ ચીનમાં મોકલવા પર પ્રતિબંધ છે, છતાં ચીને આ પડકારોનો સામનો કરીને ટેકનોલોજીકલ સેલ્ફ-રિલિયન્સ તરફ ઝડપથી પગલાં ભર્યા છે. હુઆંગે અંતમાં ઉમેર્યું હતું કે આ પ્રકારની આક્રમક સ્પર્ધા છતાં અમેરિકન ટેક કંપનીઓ કોઈપણ હરીફાઈનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે.
