JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય બન્યું અખાડો, ફોટો પાડવા બાબતે મહિલા પ્રમુખ અને શહેર પ્રમુખ બાખડ્યા

Oct 29, 2026 | 12:15 | By JAMNAGAR MIRROR
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય બન્યું અખાડો, ફોટો પાડવા બાબતે મહિલા પ્રમુખ અને શહેર પ્રમુખ બાખડ્યા
ભરૂચ કોંગ્રેસ કાર્યાલયમાં સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિ તડવી અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી વચ્ચે થયેલી બબાલને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભરૂચ કોંગ્રેસ કાર્યાલયમાં તાજેતરમાં બનેલી એક અણધારી ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે. કોંગ્રેસ કાર્યાલય અખાડો બની ગયું હોય તેમ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વચ્ચે જાહેરમાં તકરાર થઈ હતી. પક્ષના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલી આ બોલાચાલીએ આંતરિક વિવાદને ખુલ્લો પાડી દીધો છે.

આ સમગ્ર બબાલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય ચારુલતા ટોકસની હાજરીમાં જ ઘટી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો. ફોટો પાડવા જેવી સાવ સામાન્ય વાતથી શરૂ થયેલો વિવાદ વસી ન શકતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા પ્રમુખ જ્યોતિ તડવીએ આ મામલે કડક પગલાં લેતા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સલીમ અમદાવાદી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના પર હવે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કાર્યાલયની અંદર જ નેતાઓ વચ્ચે થયેલી મારામારી કે ઉગ્ર બોલાચાલીના આ બનાવથી પક્ષની છબીને મોટો ફટકો પડ્યો છે. ઉચ્ચ નેતાઓની ઉપસ્થિતિમાં જ આવું અશોભનીય વર્તન થવાથી પક્ષની આંતરિક શિસ્ત અને નેતાઓ વચ્ચેના સંકલન પર ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં આ વિવાદના રાજકીય સ્તરે કેવા પડઘા પડશે અને સંગઠન દ્વારા આ નેતાઓ સામે શું કાર્યવાહી થાય છે તે પર સૌની નજર રહેશે.

LATEST ARTICLES