અમેરિકામાં રાષ્ટ્રપતિની ચાર વર્ષની ટર્મની બરાબર અડધી મુદતે એટલે કે મિડટર્મ ઇલેક્શન યોજાતા હોય છે, જેમાં સીધા રાષ્ટ્રપતિની ચૂંટણી નથી હોતી પરંતુ કોંગ્રેસના સભ્યો અને સ્ટેટ લેવલના પદાધિકારીઓ ચૂંટાય છે. હાલ રિપબ્લિકન પાર્ટી પાસે કોંગ્રેસના બંને ચેમ્બરનું નિયંત્રણ છે, જે ટ્રમ્પ માટે કાયદાકીય નિર્ણયો લેવામાં મોટો ફાયદો સાબિત થઈ રહ્યો છે. ડેમોક્રેટ્સ આ પકડ તોડીને કોંગ્રેસને ટ્રમ્પની સત્તા સામે અંકુશરૂપ બનાવવા માગે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની 435 અને સેનેટની 100માંથી 35 સીટો પર રસાકસીભર્યો મુકાબલો છે, જે વોશિંગ્ટનમાં સત્તાનું સમીકરણ બદલી શકે છે. નવી ચૂંટાઈ આવનારી 120મી કોંગ્રેસ જાન્યુઆરી 2027માં બેસશે અને તે જ નક્કી કરશે કે ટ્રમ્પને તેમની ટર્મના બાકીના બે વર્ષમાં કેટલો કાયદાકીય સહકાર મળે છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવવા માટે ડેમોક્રેટ્સને માત્ર 4 સીટોનો નેટ ગેઈન જરૂરી છે, જ્યારે રિપબ્લિકન્સ પોતાની 219 સીટો બચાવવા મેદાને છે. પેન્સિલવેનિયા, એરિઝોના, મિશિગન, નોર્થ કેરોલિના અને ફ્લોરિડા જેવા સ્ટેટ્સમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. બીજી તરફ સેનેટમાં રિપબ્લિકન પાસે 53 અને ડેમોક્રેટ્સ પાસે 47 સીટો છે, જ્યાં બહુમતી માટે 51 સીટોની જરૂર છે. જ્યોર્જિયા, મિશિગન, ઓહાયો અને ટેક્સાસ જેવા મહત્ત્વના સ્ટેટ્સમાં જજની નિમણૂક, સુપ્રીમ કોર્ટના નોમિની અને સરકારી નિમણૂકોને લઈને પણ ભારે રાજકારણ ગરમાયું છે. આ ઉપરાંત 36 સ્ટેટ્સમાં ગવર્નર પદ માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 18 સીટો પર રિપબ્લિકન અને 18 સીટો પર ડેમોક્રેટ્સ પોતાના ગઢ સાચવી રહ્યા છે.
આ ચૂંટણીઓમાં સામાન્ય જનતા માટે મોંઘવારી, અર્થતંત્ર અને જોબ્સ સૌથી મોટા મુદ્દા છે, જેમાં પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ 84% મતદારોએ અર્થતંત્રને સૌથી મહત્ત્વનું ગણાવ્યું છે. આ ઉપરાંત ઇમિગ્રેશન, બોર્ડર સિક્યોરિટી, હેલ્થકેર, એજ્યુકેશન અને અબોર્શન જેવા વિષયો પણ મતદારોને પ્રભાવિત કરી રહ્યા છે. ઈરાન સાથેનો સંઘર્ષ અને તેના કારણે વધી રહેલા ફ્યુઅલના ભાવ પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. જો આ ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ પોતાનું નિયંત્રણ જાળવી રાખશે તો ટ્રમ્પની નીતિઓને મોટું બળ મળશે, અને જો ડેમોક્રેટ્સ વિજયી થશે તો તેઓ ટ્રમ્પના નિર્ણયોને પડકારવા માટે મજબૂત પ્લેટફોર્મ મળી જશે. આ ચૂંટણીના પરિણામો માત્ર વર્તમાન શાસન જ નહીં પરંતુ 2028ની વ્હાઇટ હાઉસની રેસ માટે બંને પક્ષોની રણનીતિ પણ નક્કી કરશે.
