JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

નાગપુરમાં કાઉન્ટિંગ સેન્ટર બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાથ ભીડ્યા, કોંગ્રેસ નેતાનો મોટો દાવો

Oct 29, 2026 | 10:15 | By JAMNAGAR MIRROR
નાગપુરમાં કાઉન્ટિંગ સેન્ટર બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાથ ભીડ્યા, કોંગ્રેસ નેતાનો મોટો દાવો
નાગપુર ગ્રેજ્યુએટ્સ કન્સ્ટીટ્યુયુસીની મતગણતરી વખતે મનકાપુર ઈન્ડોર સ્ટેડિયમ બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા માહોલ ગરમાયો હતો, જ્યાં પોલીસે તાત્કાલિક વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. આ ઘટના બાદ હવે રાજકારણ પણ ગરમાયું છે.

નાગપુરમાં ગ્રેજ્યુએટ્સ કન્સ્ટીટ્યુયુસીની વોટ કાઉન્ટિંગ ચાલુ હતી ત્યારે મનકાપુર ઈન્ડોર સ્ટેડિયમ બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ટક્કર થઈ હતી. મતગણતરી કેન્દ્ર બહાર બંને પક્ષના કાર્યકરો કોઈ વાતને લઈને આમને-સામને આવી ગયા હતા અને ભારે હોબાળો મચ્યો હતો. વાત એટલી વધી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેને કારણે ત્યાં હાજર લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે, સ્થિતિ વણસે તે પહેલા જ તૈનાત પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરીને બંને પક્ષના ઉશ્કેરાયેલા કાર્યકરોને તાત્કાલિક ખદેડી મૂક્યા હતા અને માહોલને કાબૂમાં લીધો હતો.

આ ઘમાસાણ પછી એક કોંગ્રેસી કાર્યકરે આક્રમક નિવેદન આપતા દાવો કર્યો હતો કે આગામી 2029ની ચૂંટણીમાં દેશના યુવાનો એટલે કે Gen Z જ ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો દેખાડશે. આ તરફ સામે પક્ષે ભાજપના કાર્યકરો પણ પાછા નહોતા હટ્યા. ભાજપના કાર્યકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર વિરુદ્ધ અભદ્ર કે અપમાનજનક ભાષાનો ઉપયોગ સામે કડક ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતીય જનતા યુવા મોર્ચા (BJYM) આવા અપમાનનો જડબાતોડ જવાબ આપવા માટે પૂરી રીતે સક્ષમ છે અને પાર્ટીના પદાધિકારીઓ કે બંધારણીય હોદ્દા પર બેઠેલા નેતાઓ સામે કોઈ ભાષાકીય મર્યાદા વટાવશે તો તે સાંખી નહીં લેવાય.

આ સમગ્ર વિવાદ અને અથડામણ બાદ કાઉન્ટિંગ સેન્ટરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે જેથી ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કાઉન્ટિંગ પ્રોસેસ શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, નાગપુર MLC ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના અભિજીત વંજારીએ આરએસએસના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપને હરાવીને જીત મેળવી છે અને MVA એ કુલ 3 સીટો પર બાજી મારી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે.

LATEST ARTICLES