કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે ગુરુવારે સોશિયલ મીડિયા પર જાપાનના ડિફેન્સ મિનિસ્ટર શિંજિરો કોઇઝુમી અને ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી રિચાર્ડ માર્લ્સ સાથેનો એક ખાસ ફોટો શેર કર્યો હતો. આ તસવીર સાથે તેમણે JAI: Japan, Australia, India એવું કેપ્શન આપીને ત્રણેય દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને સહયોગને રેખાંકિત કર્યા હતા. આ મુલાકાત ફિલિપાઈન્સના સેબુ શહેરમાં યોજાયેલી ૧૩મી એશિયન ડિફેન્સ મિનિસ્ટર્સ મિટિંગ-પ્લસ (ADMM-Plus) ની સાઇડલાઇન્સ પર થઈ હતી, જ્યાં ત્રણેય નેતાઓ વૈશ્વિક સુરક્ષાના મુદ્દે એકસાથે જોવા મળ્યા હતા.
આ બેઠકો દરમિયાન રાજનાથસિંહે બુધવારે જાપાનના ડિફેન્સ મિનિસ્ટર શિંજિરો કોઇઝુમી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય ડિફેન્સ કોઓપરેશન મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. ફ્રી, ઓપન અને પીસફુલ ઇન્ડો-પેસિફિક રીઝિયન માટે બંને દેશોની ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને રક્ષામંત્રી રિચાર્ડ માર્લ્સ સાથે પણ રાજનાથસિંહે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સમીક્ષા કરી હતી. સદ્ભાવનાના પ્રતીક તરીકે બંને નેતાઓ વચ્ચે ગિફ્ટની આપ-લે પણ થઈ હતી અને રાજનાથસિંહે માર્લ્સને બેંગલુરુમાં યોજાનાર એરો ઇન્ડિયા 2027 માટે ખાસ આમંત્રણ આપ્યું હતું.
ADMM-Plus એ આસિયાનના દેશો અને તેના 8 ડાયલોગ પાર્ટનર્સ જેમાં ભારત, અમેરિકા, ચાઇના, રશિયા, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે, તે માટે સિક્યોરિટી અને ડિફેન્સ ક્ષેત્રે સહકાર વધારવાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકો અને ચર્ચાઓથી ભવિષ્યમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બનશે તથા ત્રણેય દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
