બરાક ઓબામાએ જ્યોર્જિયાના એટલાન્ટા પાસે આવેલા મોરો શહેરમાં એક કેમ્પેઈન રેલીને સંબોધિત કરતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન વિરુદ્ધની લશ્કરી કાર્યવાહીની આકરી ટીકા કરી છે. નવેમ્બર 3 ના રોજ યોજાનારી મિડટર્મ ઇલેક્શન પહેલા બંને નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. ઓબામાએ સવાલ કર્યો હતો કે આ યુદ્ધની વાસ્તવિક સ્થિતિ શું છે કારણ કે તેનાથી અમેરિકન ફોર્સીઝ અને સાથી દેશો જોખમમાં મુકાયા છે. તેમણે પોતાના ભાષણમાં ઉમેર્યું કે આ લડાઈમાં અમેરિકનોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
ઓબામાએ વધુમાં જણાવ્યું હતું કે આ સંઘર્ષના કારણે આપણો મિસાઈલ સ્ટોક ઘટી ગયો છે, જેનાથી દેશ વધુ અસુરક્ષિત બન્યો છે. એટલું જ નહીં, આ યુદ્ધના કારણે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર વીટો પાવર મળી ગયો છે જ્યાંથી દુનિયાભરમાં ઓઈલ સપ્લાય થાય છે અને આ જ કારણ છે કે આજે ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ઓબામાએ તેમના કાર્યકાળ દરમિયાન 2015માં થયેલા ન્યુક્લિયર એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે કોઈ મિસાઈલ છોડ્યા વગર માત્ર ડિપ્લોમસીથી ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને અંકુશમાં રાખ્યો હતો. બીજી તરફ, ટ્રમ્પે તેમના બચાવમાં કહ્યું કે તેમણે ખૂબ જ અસરકારક કામ કર્યું છે અને જરૂર પડ્યે તેઓ આ મામલો પૂરો કરશે અથવા કોઈ ડીલ કરવામાં આવશે.
આ ઇલેક્શનમાં ડેમોક્રેટ્સે હાઉસનું કંટ્રોલ મેળવવા અને રિપબ્લિકન્સની 53-47 ની સેનેટ બહુમતી ઘટાડવા માટે જોર લગાવ્યું છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના ઇલેક્શન લેબના રિપોર્ટ મુજબ આ ઇલેક્શનમાં અત્યાર સુધીમાં આશરે 40 મિલિયન જેટલા બેલેટ વોટ કાસ્ટ થઈ ચૂક્યા છે. ઓબામા અને ટ્રમ્પ બંને ભલે સીધી રીતે ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ કોંગ્રેસ પર પ્રભુત્વ જમાવવા માટે તેઓ આખા દેશમાં ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે. ઈરાન સાથેનું યુદ્ધ, એનર્જી કોસ્ટ અને કોંગ્રેસ પર કબજો આ ચૂંટણીના સૌથી મોટા મુદ્દા બની ગયા છે.
