JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

તમિલનાડુમાં 634 કરોડના જોબ કૌભાંડનો મામલો, DMK નેતા કે.એન. નેહરુના ઠેકાણાઓ પર રેડ

Oct 29, 2026 | 09:55 | By JAMNAGAR MIRROR
તમિલનાડુમાં 634 કરોડના જોબ કૌભાંડનો મામલો, DMK નેતા કે.એન. નેહરુના ઠેકાણાઓ પર રેડ
તમિલનાડુમાં એન્ટી કરપ્શન એજન્સી દ્વારા 634 કરોડના કેશ-ફોર-જોબ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ મંત્રી કે.એન. નેહરુ અને તેમના નજીકના લોકો સાથે જોડાયેલા 25 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

તમિલનાડુમાં સરકારી નોકરી આપવાના નામે થયેલા કથિત 634 કરોડના મોટા કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું છે. વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન ડિપાર્ટમેન્ટ (DVAC) ની ટીમે ગુરુવારે રાજ્યભરમાં કુલ 25 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પૂર્વ DMK મંત્રી કે.એન. નેહરુનું ત્રિચી સ્થિત નિવાસસ્થાન અને ચેન્નઈમાં તેમના ભાઈનું ઘર પણ સામેલ છે. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે ભૂતકાળમાં સરકારી પદોની ભરતીમાં થયેલી અનિયમિતતાઓની તપાસ માટે એજન્સીને મંજૂરી આપી હતી, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલો એ સમયનો છે જ્યારે કે.એન. નેહરુ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને વોટર સપ્લાય મંત્રાલય સંભાળતા હતા. આ વિભાગમાં સરકારી નોકરી અપાવવાના બદલામાં ઉમેદવારો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો છે. તપાસ એજન્સીના ડીએસપી કક્ષાના અધિકારીના નેતૃત્વમાં ત્રિચીના થિલઈ નગર ખાતે આવેલા નેહરુના ઘરે સવારે આશરે 7 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ થયું હતું. જ્યારે અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા ત્યારે નેહરુ પોતે ઘરની અંદર જ હાજર હતા, તો બીજી તરફ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. ચેન્નઈના આરએ પુરમ વિસ્તારમાં આવેલા તેમના ભાઈના ઘરે પણ અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને આ કૌભાંડ સાથે જોડાયેલા મુખ્ય લોકોની માહિતી મેળવવા માટે આ રેડ પાડવામાં આવી છે. સપ્ટેમ્બર મહિના બાદ નેહરુ સાથે જોડાયેલા સ્થળો પર DVAC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ વર્ષ 2021 થી 2025 દરમિયાન મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના મામલે પણ તપાસ થઈ ચૂકી છે. હાલમાં એજન્સી દ્વારા મળી આવેલા પુરાવા અને દસ્તાવેજોના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

LATEST ARTICLES