દિલ્હી સરકારના એક વરિષ્ઠ એકાઉન્ટન્ટ શશાંક કંઠારિયા પર ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં સોમવારે સવારે જીવલેણ હુમલો થયો હતો. 35 વર્ષીય શશાંક જ્યારે પોતાના ઘરમાં નાની દીકરી સાથે સૂતા હતા, ત્યારે તેમની પત્નીના જિમ ટ્રેનર પ્રતાપ સિંહે ઘરમાં ઘૂસીને તેમના પર ચાકુથી અનેક વાર હુમલો કર્યો હતો. શશાંકને ગંભીર હાલતમાં હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલા દરમિયાન બાજુમાં સૂતેલી તેમની માસૂમ દીકરી જાગી ગઈ હતી અને રડવા લાગી હતી, જેના કારણે આસપાસના લોકોને જાણ થઈ ગઈ હતી અને સદનસીબે બાળકીનો બચાવ થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શશાંકને પોતાની પત્નીના જિમ ટ્રેનર સાથેના સંબંધો વિશે ખબર પડી ગઈ હતી અને તે શહેર છોડીને અલગ રહેવાની તૈયારી કરી રહ્યા હતા, જેની અદાવતમાં આ મોટો ખૂની ખેલ રચવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે 32 વર્ષીય પ્રિયા જાન્યુઆરી મહિનાથી વસુંધરાની એક જિમમાં જતી હતી અને 30 વર્ષીય પ્રતાપ સિંહ તેનો જિમ ટ્રેનર હતો. ફેબ્રુઆરીથી બંને વચ્ચે અફેયર શરૂ થયું હતું, જેની જાણ સપ્ટેમ્બરના અંતમાં શશાંકને થઈ ગઈ હતી. શશાંકે પત્ની પ્રિયાને આ સંબંધો બંધ કરવા અથવા જિમ બદલવા માટે કહ્યું હતું. મામલો ત્યારે વધુ વણસ્યો જ્યારે શશાંકે દિલ્હીમાં નવું ઘર શોધવાનું શરૂ કર્યું અને રવિવારે જ પ્રોપર્ટી ફાઇનલ કરવાની તૈયારીમાં હતા. પ્રિયા આ વાતનો વિરોધ કરતી હતી અને તેણે પોતાના પ્રેમી પ્રતાપ સાથે મળીને પતિને રસ્તેથી હટાવવા માટે ઘાતક પ્લાન બનાવ્યો હતો. સોમવારે સવારે પ્રિયા હંમેશાની જેમ સવારે 5 વાગ્યે જિમ જવા માટે નીકળી ત્યારે તેણે ઘરનો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો, જેથી તેનો પ્રેમી સરળતાથી અંદર પ્રવેશી શકે.
ઘરમાં ખુલ્લા દરવાજેથી બે ચાકુ લઈને ઘૂસેલા પ્રતાપ સિંહે સૂઈ રહેલા શશાંક પર અચાનક હુમલો કરી દીધો. હુમલા દરમિયાન શશાંક જાગી જતા તેમણે બૂમાબૂમ કરી અને દીકરી પણ રડવા લાગી, જેથી પડોશીઓ દોડી આવ્યા અને હુમલાખોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સોસાયટીના ગાર્ડ અને એક રહેવાસીએ ભાગી રહેલા પ્રતાપનો બાઈક પર પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે શશાંકના ભાઈ રિતેશની ફરિયાદના આધારે પ્રિયા અને પ્રતાપ વિરુદ્ધ હત્યાની કોશિશ અને ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. મંગળવારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. શશાંક અને પ્રિયાના લગ્ન 2021માં થયા હતા અને તેમને એક નાની દીકરી પણ છે.
