જ્યારે કોઈ ભારતીય કર્મચારીને કંપની દ્વારા કામ માટે યુકે મોકલવામાં આવે છે અને તેને ભારતીય એમ્પ્લોયર તરફથી ખર્ચ માટે પર ડિયમ પેમેન્ટ મળે છે, ત્યારે આ રકમ પર ટેક્સ ભરવાના નિયમો ખૂબ મહત્વના બની જાય છે. સામાન્ય રીતે ભારત-યુકે DTAA (ડબલ ટેક્સેશન અવોઈડન્સ ટ્રીટી) હેઠળ જો ચોક્કસ શરતોનું પાલન થાય, તો આ રકમ ભારતમાં ટેક્સેબલ હોતી નથી. તાજેતરમાં દિલ્હી ITATમાં આવેલા એક કેસમાં બેંગ્લોરના એક કર્મચારીને આ અંગે મોટી રાહત મળી છે, જેને યુકે અસાઇનમેન્ટ દરમિયાન ભારતીય MNC તરફથી કુલ 16 લાખ રૂપિયાનું પર ડિયમ મળ્યું હતું. જો કે, આ રકમ ફોર્મ 16માં સામેલ હોવાથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેના પર ટેક્સ વસૂલવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે આ પેમેન્ટ ભારતીય એમ્પ્લોયર દ્વારા કરવામાં આવ્યું હતું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ સુરાણાના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ કર્મચારી યુકેમાં ટેક્સ રેસિડેન્ટ તરીકે લાયક ઠરે છે, તેની પાસે વેલિડ યુકે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ હોય છે, તે ભારતમાં નોન-રેસિડેન્ટ હોય છે અને નોકરી યુકેમાં જ કરવામાં આવે છે, ત્યારે તે આવક કે પર ડિયમ યુકેમાં ટેક્સેબલ બને છે, ભારતમાં નહીં. ભલે આ પેમેન્ટ ભારતીય બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હોય કે ઇન્ડિયન પેરોલ દ્વારા રુટ કરવામાં આવ્યું હોય. ભારત-યુકે DTAAની કલમ 16 મુજબ, એક દેશના નિવાસી દ્વારા પ્રાપ્ત થતી સેલેરી કે મહેનતાણું તે જ રાજ્યમાં ટેક્સેબલ હોય છે, સિવાય કે નોકરી બીજા દેશમાં કરવામાં આવી હોય. આ નિયમ હેઠળ જો કર્મચારી યુકેમાં 183 દિવસથી ઓછો સમય રહ્યો હોય અથવા અન્ય શરતો લાગુ પડતી હોય, તો તેને DTAAનો લાભ મળે છે.
દિલ્હી ITATના આ કેસમાં અસેસિંગ ઓફિસરે સેક્શન 5(2) લાગુ કર્યું હતું કારણ કે કર્મચારી ભારતમાં નોન-રેસિડેન્ટ હોવા છતાં સેલેરી અને પર ડિયમ ભારતીય પેરોલ દ્વારા મળ્યા હતા. પરંતુ ITATએ કર્મચારીને ભારત-યુકે DTAAના ફાયદાકારક પ્રોવિઝન્સ હેઠળ રાહત આપી હતી. ટેક્સ ટ્રિબ્યુનલે નોટિસ કર્યું કે કર્મચારી ભારતમાં 60 દિવસથી ઓછા સમય માટે રહ્યો હતો, નોન-રેસિડેન્ટ હતો અને તેણે યુકેનું ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું. 16,17,724 રૂપિયાનું પર ડિયમ યુકે અસાઇનમેન્ટ સાથે જોડાયેલું હતું, જેથી સ્થાનિક કાયદાઓ પર DTAAના નિયમો ભારે પડશે અને ટેક્સ કપાત યુકેના અધિકારક્ષેત્રમાં આવશે તેમ સ્પષ્ટ થયું હતું.
