ભારત અને યુરોપિયન યુનિયન એટલે કે EU વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને હવે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ મહત્વપૂર્ણ વાટાઘાટો હવે આખરી ઓપ તરફ આગળ વધી રહી છે અને આ વર્ષના ડિસેમ્બર સુધીમાં આ મગા ડીલ સાઈન થઈ જાય તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી છે. યુરોપિયન પાર્લામેન્ટની ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન ડેવિડ મેકાલિસ્ટરે હાલમાં જ ભારતની મુલાકાત દરમિયાન આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓ 8 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા છે અને તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી છે.
આ ડીલ પાછળનો ઈતિહાસ જોઈએ તો ભારત અને EU વચ્ચે વેપારને લઈને વાતચીત વર્ષ 2007માં શરૂ થઈ હતી અને પૂરા 19 વર્ષની લાંબી મથામણ બાદ હવે આને સાચો આકાર મળવા જઈ રહ્યો છે. ડેવિડ મેકાલિસ્ટરે જણાવ્યું કે જાન્યુઆરીમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેય અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટोनિયો કોસ્ટાની ભારત મુલાકાત બાદ આ મામલે વેગ પકડાયો છે. ભારત અને યુરોપિયન યુનિયન દુનિયાની બે સૌથી મોટી ડેમોક્રેસી છે, જ્યાં ભારત સૌથી મોટી ડેમોક્રેસી છે અને EUમાં 450 મિલિયન લોકો સાથે દુનિયાની બીજી સૌથી મોટી ડેમોક્રેસી છે. બંને પક્ષો વૈશ્વિક નિયમો અને શાંતિમાં માને છે તેમજ આજના પડકારજનક સમયમાં સપ્લાય ચેઈનને મજબૂત કરવા માગે છે.
આ ડીલના સમયપત્રક મુજબ ડિસેમ્બરમાં જ્યારે આપણા વડાપ્રધાન બ્રસેલ્સની મુલાકાતે જશે ત્યારે તેઓ જાતે આ એગ્રીમેન્ટ પર સહી કરી શકે તેવી આશા છે. યુરોપિયન પાર્લામેન્ટ આ ડીલને મંજૂરી આપવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે અને સહી થયા બાદ તરત જ તેની સમીક્ષાનું કામ શરૂ થઈ જશે. આગામી સ્પ્રિંગ સિઝનમાં પાર્લામેન્ટની મંજૂરી મળી જશે અને ઉનાળા સુધીમાં આ ડીલ સત્તાવાર રીતે લાગુ થઈ જશે. વૈશ્વિક સ્તરે ટેરિફ અને વેપાર ક્ષેત્રે ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે આ એગ્રીમેન્ટ બિઝનેસ જગતને સ્થિરતા અને ભરોસો પૂરો પાડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
