ચેન્નાઈમાં બુધવારે વહેલી સવારે એક મોટી ઘટના સામે આવી છે, જેમાં જાણીતા ઈકોનોમિસ્ટ અને રાજકીય અર્થવ્યવસ્થા તથા તમિલનાડુના વિકાસ મોડેલ પર રિસર્ચ કરનાર એ. કલૈયારસનને સાદા વસ્ત્રોમાં આવેલા પોલીસકર્મીઓ દ્વારા કૌશલપૂર્વક ઉઠાવી જવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે સીપીએમ તમિલનાડુના સ્ટેટ સેક્રેટરી પી. શણમુગમે સખ્ત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર નિવેદન આપીને સવાલ ઉઠાવ્યો છે કે શું તમિલનાડુ હવે પોલીસ સ્ટેટ બની રહ્યું છે? તેમનું કહેવું હતું કે જો કોઈ ફરિયાદ હતી તો પોલીસ નિયમ મુજબ નોટિસ આપીને પૂછપરછ કરી શકતી હતી, પરંતુ આ પ્રકારે અચાનક ઉપાડી જવું યોગ્ય નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અને કલૈયારસન દ્વારા તમિલનાડુના ડીજીપીને લખાયેલા એક પત્ર મુજબ, બુધવારે સવારે આશરે 5 વાગ્યે અડ્યાર સ્થિત તેમના ઘર પર 3 પોલીસકર્મીઓ આવ્યા હતા જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા. પોલીસકર્મીઓ તેમનો મોબાઈલ ફોન જપ્ત કરીને તેમને સોશિયલ મીડિયા પર કોઈ વાંધાજનક કોમેન્ટના મામલે પૂછપરછ માટે ભાડે કરેલી કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ દરમિયાન પરિવારને જાણ કરવાનો મોકો પણ ન અપાયો હોવાનો દાવો કરાયો છે. બાદમાં પોલીસ દ્વારા તેમને પલ્લાવરમ ટીવીકેના એમએલએ જે. કામચ્છી વિરુદ્ધની એક કોમેન્ટનો સ્ક્રીનશોટ બતાવવામાં આવ્યો હતો. કલૈયારસને સ્પષ્ટ કર્યું હતું કે જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કોમેન્ટ થઈ હતી તેના પર તેમનો ફોટો જરૂર હતો, પરંતુ યુઝરનેમ અલગ હતું અને તેમને આ અકાઉન્ટ સાથે કોઈ લેવાદેવા નથી. પૂછપરછ બાદ સવારે આશરે 7:45 વાગ્યે તેમને પરત ઘરે મૂકી દેવાયા હતા.
આ સમગ્ર મામલે એ. કલૈયારસને આ ઘટનાને હેરાનગતિ અને ગેરકાયદેસર અટકાયત ગણાવીને સંબંધિત પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, કલૈયારસન એવા પ્રોફેસર છે જેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ધ ડ્રવિડિયન મોડેલ પુસ્તકનું લેખન કર્યું છે અને કિંગ્સ કોલેજ લંડન, બ્રાઉન યુનિવર્સિટી તથા આઈઆઈટી બોમ્બે જેવી નામાંકિત સંસ્થાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે. તમિલનાડુ સરકારના ઇકોનોમિક સર્વેમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. જો કે, આ મામલે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી અને આ વિવાદાસ્પદ ઘટના અંગે સ્પષ્ટતા આવવાની બાકી છે.
