JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દહેગામમાં લિસ્ટેડ બુટલેગરના ઘર પર LCBની રેડ, 2160 બોટલ વિદેશી દારૂ અને બિયર ઝડપાયા

Oct 29, 2026 | 05:15 | By JAMNAGAR MIRROR
દહેગામમાં લિસ્ટેડ બુટલેગરના ઘર પર LCBની રેડ, 2160 બોટલ વિદેશી દારૂ અને બિયર ઝડપાયા
દહેગામના જોષીની ખડકી વિસ્તારમાં આવેલા મકાનના ઉપરના માળેથી પોલીસે લાખોની કિંમતનો દારૂ કબજે કર્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને આ જથ્થો સ્ટોક કરાયો હોવાની ચર્ચા છે, જ્યારે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ રેડ દરમિયાન મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

દહેગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને કડક બનાવવા માટે સક્રિય થયેલી એલસીબી-1 ટીમે એક મોટી કાર્યવાહી કરી છે. એલસીબી-1 ના પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ બેચરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે દહેગામના જોષીની ખડકી વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર ભાવસિંહ ઉર્ફે ભાવલો પ્રહલાદસિંહ ઝાલાના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મકાનની તપાસ શરૂ કરી હતી અને આ મામલે મોડી સાંજે સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે બાતમીવાળા મકાનના ઉપલા માળે તલાશી લેતા વિદેશી દારૂ અને બિયર ભરેલી કુલ 83 પેટીઓ મળી આવી હતી. સ્થળ પર જઇને બોટલોની ગણતરી કરતા કુલ 2160 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત 2.99 લાખ રૂપિયા જેટલી થાય છે. જો કે, પોલીસ રેડ પડે તે પહેલા જ ચાલાક બુટલેગર ભાવસિંહ ઉર્ફે ભાવો ઘરેથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ જથ્થો જપ્ત કરીને ફરાર બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ લિસ્ટેડ બુટલેગરનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને અગાઉ પણ તેના કબજામાંથી વિદેશી દારૂ પકડાઈ ચૂક્યો છે તેની સામે અગાઉ પણ પ્રોહીબીશનના એકથી વધુ ગુના નોંધાયેલા છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જ આ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારવામાં આવ્યો હોવાની લોકચર્ચા છે. બીજી તરફ, સ્થાનિક પોલીસની રહેમનજર કે અજાણતા વચ્ચે એલસીબીએ આ મોટી રેડ કરી હોવાથી દહેગામ પોલીસની કામગીરી સામે અનેક ગંભીર સવાલો અને તર્કવિતર્કો ઉઠી રહ્યા છે.

LATEST ARTICLES