JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

બેલેટ પેપરથી ચૂંટણી થઈ તો કોંગ્રેસને કેટલી બેઠકો મળી? પીએમ મોદીનો કટાક્ષ

Oct 28, 2026 | 22:35 | By JAMNAGAR MIRROR
બેલેટ પેપરથી ચૂંટણી થઈ તો કોંગ્રેસને કેટલી બેઠકો મળી? પીએમ મોદીનો કટાક્ષ
દેશના 4 મોટા રાજ્યોની 28 વિધાન પરિષદ બેઠકો પર બેલેટ પેપરથી યોજાયેલી MLC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું. આ શરમજનક અને કારમી હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ EVM વિવાદને લઈને કોંગ્રેસ પક્ષને આડે હાથ લીધો છે અને સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક એમ 4 મોટા રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ એટલે કે MLC ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આગામી સમયની વિધાનસભા ચૂંટણીઓ પહેલા સેમિફાઇનલ સમાન ગણાતી આ ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને જોરદાર સરસાઈ મેળવી છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. ખાસ વાત એ છે કે ચૂંટણીમાં અવારનવાર હારનો દોષ EVM પર ઢોળતી કોંગ્રેસ માટે આ તમામ 28 બેઠકો પર બેલેટ પેપર દ્વારા જ મતદાન થયું હતું, છતાં પક્ષ એક પણ બેઠક જીતી શક્યો નથી અને પરિણામે વડાપ્રધાને કટાક્ષ કર્યો છે.

આ ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કટાક્ષ કર્યો હતો કે, 4 મોટા રાજ્યોમાં 28 બેઠકો પર બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી, કોઈ અંદાજ લગાવી શકે છે કે કોંગ્રેસે કેટલી બેઠકો જીતી હશે? બીજી તરફ કર્ણાટક વિધાન પરિષદની 4 બેઠકો પર ભાજપ અને જેડીએસના ગઠબંધને ભવ્ય જીત નોંધાવી છે. જેમાં બેંગલુરુ શિક્ષક બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો, જ્યાં પાંચ વખતથી સતત જીતતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પુટ્ટન્નાને જેડીએસના એ.પી. રંગનાથે 908 મતોથી હરાવ્યા છે.

પોતાની જ સરકારવાળા રાજ્યમાં બેલેટ પેપરથી થયેલી આ હાર કોંગ્રેસ માટે મોટો રાજકીય ફટકો સાબિત થઈ છે. ચૂંટણીમાં ખાતું પણ ન ખૂલવાના કારણે રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે અને વિપક્ષી દળો દ્વારા કરવામાં આવતી EVMની ટીકાઓ પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે પરાજયનું કારણ મશીન નહીં પરંતુ જનતાનો મૂડ છે, જે આગામી ચૂંટણીઓમાં પણ મોટો પ્રભાવ પાડી શકે છે.

LATEST ARTICLES