નવી દિલ્હીમાં આયોજિત બિઝનેસ સ્ટાન્ડર્ડ બીએફએસઆઈ ઇનસાઇટ સમિટમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ ભારતના અર્થતંત્રને લઈને ખૂબ જ ઉત્સાહજનક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે 1 ટ્રિલિયન ડોલરથી વધુ જીડીપી ધરાવતા દુનિયાના 9 મોટા ઉભરતા અર્થતંત્રોમાં ભારત એકમાત્ર એવો દેશ હશે જે આગામી સમયમાં સરકારી દેવા અને જીડીપીના રેશિયોમાં ઘટાડો કરશે. વૈશ્વિક સ્તરે વધી રહેલા દેવા અને લોનના ઊંચા વ્યાજદર વચ્ચે આ ખુબ જ મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.
આરબીઆઈના આંકડા મુજબ ભારતનું સામાન્ય સરકારી દેવું જે વર્ષ 2025-26માં જીડીપીના 84.3 ટકા હતું તે ઘટીને વર્ષ 2031-32 સુધીમાં 75.1 ટકા પર આવી જશે, જ્યારે દુનિયાના બાકીના દેશોમાં દેવાનું પ્રમાણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે આઈએમએફના અંદાજ મુજબ વૈશ્વિક જાહેર દેવું 2025માં જીડીપીના 94 ટકા હતું જે 2030માં વધીને 100 ટકાને વટાવી જશે અને 2031 સુધીમાં લગભગ 102 ટકા પર પહોંચી જશે. ખાસ કરીને અમેરિકા જેવા વિકસિત દેશોનું દેવું 2025ના 108.2 ટકાથી વધીને 2031માં 115.2 ટકા થવાની શક્યતા છે, જ્યારે અન્ય ઉભરતા બજારોમાં પણ દેવું 73.7 ટકાથી વધીને 84.2 ટકા થઈ જશે.
ભારતની આ મજબૂત સ્થિતિ પાછળ નાણાકીય શિસ્ત, નોિમનલ જીડીપીનો આશરે 11 ટકાનો મજબૂત વાર્ષિક દર અને ઓછી ખાધ જેવા મુખ્ય કારણો છે. સરકાર દ્વારા ગવર્મેન્ટ કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચ વર્ષ 2019-20ના 4 ટકાથી વધારીને 2025-26માં જીડીપીના 5.8 ટકા સુધી લઈ જવામાં આવ્યો છે, જેનાથી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મદદ મળી રહી છે. જોકે વૈશ્વિક સ્તરે પડકારો યથાવત છે, પરંતુ ભારતનું દેવું લાંબા ગાળાનું અને ઘરઆંગણે હોવાથી રીફાઇનાન્સનું જોખમ નહિવત સમાન છે અને દેશે વિદેશી આંચકાઓ સામે મક્કમતાપૂર્વક નાણાકીય સમજદારી જાળવી રાખી છે.
